09 June, 2023 11:44 AM IST | Copenhagen | Gujarati Mid-day Correspondent
થોર પેડરસ
ડેન્માર્કમાં રહેતા થોર પેડરસન નામની વ્યક્તિએ એક પણ ફ્લાઇટ પકડ્યા વગર વિશ્વના દરેક દેશમાં ફર્યો હોવાનો દાવો કર્યો છે. તેણે ઑક્ટોબર ૨૦૧૩માં પોતાની શિપિંગ અને લાૅજિસ્ટિક્સની જૉબ છોડીને આ પ્રવાસ શરૂ કર્યો હતો. ૪૪ વર્ષના થોર પેડરસને ડેન્માર્કથી જર્મની જઈને પોતાની યાત્રા શરૂ કરી હતી અને ગયા મહિને મૉલદીવ્ઝ ગયો ત્યારે પોતાની યાત્રા સમાપ્ત કરી હતી. તેણે કુલ ૨,૨૩,૦૭૨ માઇલની મુસાફરી કરી હતી. દરેક દેશમાં તે સરેરાશ ૭ દિવસ સુધી રહેતો હતો. કોરોનાને કારણે તેને બે વર્ષ હૉન્ગકૉન્ગમાં રહેવાની ફરજ પડી હતી. વેટિકન સિટીમાં તે માત્ર ૨૪ કલાક રહ્યો હતો. હૉન્કૉન્ગથી ઑસ્ટ્રેલિયા એક કન્ટેનર શિપ દ્વારા જતાં તેને ૨૭ દિવસ લાગ્યા હતા. પોતાના પ્રવાસ દરમ્યાન તેણે ૩૫૧ બસ, ૧૫૮ ટ્રેન, ૪૩ ટુક ટુક, ૩૭ કન્ટેનર વહાણ, ૩૩ બોટ, ૯ ટ્રક, ૩ હોડી, બે ક્રૂઝ શિપ અને એક વખત ઘોડા પર પ્રવાસ કર્યો હતો. એ ઉપરાત અસંખ્ય વખત મોટરસાઇકલ, ટૅક્સી, મેટ્રો, મિની બસ અને ટ્રામમાં પ્રવાસ કર્યો હતો. તેણે કહ્યું હતું કે આ પર્યટન નહોતું, પણ મૅરથૉન દોડવા જેવું હતું. બ્રાઝિલની એક બસમાં તેણે સૌથી વધુ ૫૪ કલાક સવારી કરી હતી. તો સૌથી લાંબી ટ્રેનની સવારી રશિયામાં પાંચ દિવસની કરી હતી. આ સાહસ માટે તેને એનર્જી કંપની અને ક્રાઉડ ફન્ડિંગ દ્વારા નાણાં પૂરાં પાડવામાં આવ્યાં હતાં. દરેક દેશમાં પ્રવાસ કરવા માટે તેની પાસે ૧૦ પાસપોર્ટ પણ હતા. દરમ્યાન ઘણી વખત તેની પત્ની તેને મળવા આવતી હતી. તે પોતાના અનુભવ પર એક પુસ્તક લખવાનું વિચારી રહ્યો છે.