ઉત્તર પ્રદેશમાં એવી કૅફે ખૂલી છે જ્યાં પોલીસ માત્ર મેથીપાક નહીં, સ્વાદિષ્ટ ડિશ પણ ચખાડે છે

02 June, 2024 11:42 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

કૅફેના ઇન્ટીરિયરમાં બૉલીવુડની જાણીતી ફિલ્મોમાં પોલીસ-અધિકારીનો રોલ ભજવનાર જાણીતાં પાત્રોના ફોટો જોવા મળે છે

કૅફે રિશ્તા

કાયદો હાથમાં લેતા લોકોને પોલીસે મેથીપાક ચખાડ્યો હોય એવું સાંભળ્યું હશે, પણ ઉત્તર પ્રદેશના નોએડામાં આવેલી પોલીસ-કમિશનરની ઑફિસમાં કોઈ પણ સામાન્ય વ્યક્તિ પોલીસ દ્વારા પીરસવામાં આવેલી સ્વાદિષ્ટ વાનગીઓ ચાખી શકે છે. એક અનોખી પહેલના ભાગરૂપ કૅફે રિશ્તા શરૂ કરવામાં આવી છે. લક્ષ્મી સિંહ અને બબલુ કુમાર નામનાં બે IPS (ઇન્ડિયન પોલીસ સર્વિસ) અધિકારીઓએ પોલીસ અને સામાન્ય નાગરિકો વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બને એવા આશયથી આ કૅફે શરૂ કરી છે. મજાની વાત એ છે કે કૅફેના ઇન્ટીરિયરમાં બૉલીવુડની જાણીતી ફિલ્મોમાં પોલીસ-અધિકારીનો રોલ ભજવનાર જાણીતાં પાત્રોના ફોટો જોવા મળે છે. પોલીસ-કમિશનરની ઑફિસમાં પારિવારિક વિખવાદોમાં સમાધાન માટે પ્રયાસો કરવા માટે અલાયદી ઑફિસ બનાવવામાં આવી છે. ઑફિસની નજીક આ સુંદર મજાની કૅફે છે. આશય માત્ર એટલો છે કે પોતાની સમસ્યા, પીડા લઈને આવતા લોકો કૅફેમાં બેસીને પોલીસના જવાનોની પ્રેમાળ મહેમાનગતિ માણી શકે. કોણ કહે છે પોલીસ સારું કામ નથી કરતી?

offbeat videos offbeat news noida uttar pradesh