દીકરાના મૃત્યુ પછી પણ તેના બાળકનો જન્મ કરાવી શકાય, કાયદો પરવાનગી આપે છે

06 October, 2024 11:18 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

હાઈ કોર્ટે સર ગંગારામ હૉસ્પિટલને મૃત પુત્રના સ્પર્મ તેનાં માતા-પિતાને તાત્કાલિક સોંપી દેવાનો આદેશ કર્યો છે.

દિલ્હી હાઈ કોર્ટ

આ નિર્દેશ દિલ્હી હાઈ કોર્ટે આપ્યો છે. દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલે મૃત વ્યક્તિનું ફ્રીઝ કરાયેલું સ્પર્મ આપવાની ના પાડી એટલે હાઈ કોર્ટમાં ફરિયાદ થઈ હતી. દિલ્હીનાં વૃદ્ધ માતા-પિતાના દીકરાને ૨૦૨૦માં કૅન્સર હતું. કૅન્સરની સારવાર કરવાથી બાળક ઉત્પન્ન થવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે એવું ડૉક્ટરોએ કહ્યું હતું એટલે કીમો થેરપી શરૂ કરતાં પહેલાં જૂન ૨૦૨૦માં હૉસ્પિટલની IVF લૅબમાં તેના સ્પર્મ ફ્રીઝ કરી દેવાયા હતા. સમય જતાં દીકરાનું મૃત્યુ થયું. દીકરો કુંવારો હતો અને વંશવેલો આગળ વધારી શકાય એ માટે માતા-પિતાએ મૃત પુત્રના વીર્યના નમૂના લેવા હૉસ્પિટલનો સંપર્ક કર્યો, પણ અદાલતના આદેશ વિના સૅમ્પલ ન આપી શકાય એવો જવાબ મળ્યો એટલે તેમણે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. ન્યાયાધીશ પ્રતિભા એમ. સિંહે ૮૪ પાનાંનો ચુકાદો આપ્યો છે અને કહ્યું છે કે સ્પર્મ કે એગના માલિકની સંમતિ મળી હોય તો તેના મૃત્યુ પછી બાળકનો જન્મ કરાવવામાં કોઈ અડચણ નથી. અદાલતે કહ્યું કે મૃત્યુ પછી પ્રજનન કે એને સંબંધિત બાબતોના સમાધાન માટે કોઈ કાયદો, અધિનિયમ કે દિશાનિર્દેશની જરૂર છે કે નહીં એ વિશે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિચાર કરશે. હાઈ કોર્ટે સર ગંગારામ હૉસ્પિટલને મૃત પુત્રના સ્પર્મ તેનાં માતા-પિતાને તાત્કાલિક સોંપી દેવાનો આદેશ કર્યો છે.

offbeat news delhi high court national news india new delhi