21 October, 2023 08:45 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગે કપલ ઉત્કર્ષ સક્સેના અને અનન્યા કોટિયા
ઘણાં હોમોસેક્સ્યુઅલ કપલ્સ માટે તાજેતરનો સેમ સેક્સ મૅરેજ પરનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઘણો નિરાશાજનક હતો, કારણ કે મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચે ૩:૨ના ચુકાદામાં સમલૈંગિક લગ્નની ડિમાન્ડ કરતી અરજીને ફગાવી દીધી હતી.
જોકે ગે કપલ ઉત્કર્ષ સક્સેના અને અનન્યા કોટિયાએ આ ચુકાદા વિશે પોતાનો અણગમો વ્યક્ત કર્યો હતો અને તેમણે દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના બિલ્ડિંગની સામે જ રિંગ એક્સચેન્જ કરી હતી અને તેમણે તેમના અધિકાર માટે લડત ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી.
વકીલ અને ડેવલપમેન્ટ ઇકૉનૉમિસ્ટ ઉત્કર્ષ સક્સેનાએ તેના પાર્ટનર એટલે કે લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સના પીએચડી સ્ટુડન્ટ અનન્યા કોટિયાને પ્રપોઝ કરતો એક ફોટો એક્સ પર પોસ્ટ કર્યો. કોટિયાએ જણાવ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ઘણાં દુખી છે, જેમણે તેમના અધિકાર આપવાનો ઇનકાર કર્યો છે, પરંતુ તેઓ રિંગની આપ-લે કરવા કોર્ટમાં પાછાં ગયાં હતાં. કોટિયાએ એક્સ પર લખ્યું કે ‘આ અઠવાડિયું કાયાદાકીય નુકસાનનું નહોતું, પરંતુ અમારી સગાઈનું હતું અને અમે ભવિષ્યમાં લડવા માટે પાછાં આવીશું.’
સક્સેનાના જણાવ્યા મુજબ અગાઉ તેણે ચુકાદાના દિવસે જ તેના પાર્ટનરને પ્રપોઝ કરવાની યોજના બનાવી હતી. તેમને આશા હતી કે ચુકાદો તેમની ફેવરમાં આવશે, પણ ચુકાદો આ કપલની તરફેણમાં ન આવતાં તેઓ અપસેટ થઈને ઝડપથી કોર્ટમાંથી નીકળી ગયાં હતાં.
સક્સેનાએ ત્યાર બાદ રાતે જ તેના પાર્ટનરને પોતાના પ્લાનિંગ વિશે જણાવ્યું હતું. કોટિયાના જણાવ્યા મુજબ સક્સેનાએ એ જ દિવસે પ્રપોઝ કરવું જોઈતું હતું, કારણ કે એ તેને માટે વધુ સારો દિવસ બની શક્યો હોત.
જ્યારે સક્સેનાએ તેની માતાને જણાવ્યું ત્યારે તેની માતા પણ ઇમોશનલ બની ગઈ અને કહ્યું હતું કે તેણે આ સંદર્ભે આગળ વધવું જોઈતું હતું. એથી આ કપલે બીજા દિવસે કોર્ટમાં જવાનું નક્કી કર્યું હતું.