૬૨ રૂપિયાને બદલે ઉબર ઑટોનું ભાડું આવ્યું ૭.૬૬ કરોડ રૂપિયા

01 April, 2024 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કસ્ટમરની આ પોસ્ટ બાદ ઉબર સપોર્ટ બૉટે આ પ્રકારે આવેલા બિલ માટે ખેદ વ્યક્ત કર્યો હતો અને એમાં તપાસ કરવા માટે થોડો સમય માગ્યો હતો.

વાઇરલ વિડિયોની તસવીર

શહેરોમાં પ્રવાસ કરવા માટે લોકો ઉબર ટૅક્સી કે ઑટોનો વધારે ઉપયોગ કરતા હોય છે, પણ ક્યારેક એનું ભાડું એટલું વધારે આવી જાય છે કે પ્રવાસી વિચારમાં પડી જાય. આવી જ એક ઘટના બની છે જેમાં માત્ર ૬૨ રૂપિયાનું ભાડું જે પ્રવાસ માટે દેખાડવામાં આવ્યું હતું એનું ફાઇનલ બિલ ૭.૬૬ કરોડ રૂપિયા આવ્યું હતું. નોએડાના દીપક તેન્ગુરિયાએ ઑફિસ જવા માટે ઉબર ઍપ પર ઑટો બુક કરી જેના માટે ૬૨ રૂપિયા ભાડું દર્શાવવામાં આવ્યું હતું, પણ જ્યારે તેની ​ટ્રિપ પૂરી થઈ ત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી અને તેને કુલ ૭,૬૬,૮૩,૭૬૨ રૂપિયાનું બિલ મળ્યું હતું. આ બિલમાં ભાડું, વેઇટિંગ ​પિરિયડ અને ડિસ્કાઉન્ટ જેવી વિગતો પણ અપાઈ હતી જે મુજબ ઑટોનું ભાડું ૧,૬૭,૭૪,૬૪૭ રૂપિયા હતું અને ૫,૯૯,૦૯,૧૮૯ રૂપિયા વેઇટિંગ ચાર્જ તરીકે લગાવ્યા હતા. જોકે ઉબર કંપનીએ કસ્ટમરને ૭૫ રૂપિયાનું પ્રમોશનલ ડિસ્કાઉન્ટ આપ્યું હતું. આ પ્રવાસીએ આ બિલની વિગતો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ (અગાઉનું ટ્​વિટર) પર મૂકી હતી.કસ્ટમરની આ પોસ્ટ બાદ ઉબર સપોર્ટ બૉટે આ પ્રકારે આવેલા બિલ માટે ખેદ વ્યક્ત કર્યો હતો અને એમાં તપાસ કરવા માટે થોડો સમય માગ્યો હતો.

offbeat videos offbeat news social media uber