આ કપલે સોપારીના છોડમાંથી વીગન ચામડું ઉગાડ્યું

07 February, 2024 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍરેકા પામમાંથી કેમિકલ-ફ્રી અને બાયોડિગ્રેડેબલ ‘લેધર’ બનાવ્યું છે, જેની તેમણે પેટન્ટ પણ મેળવી છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલ્હીની જી-૨૦ સમિટમાં આ કપલનું ઇનોવેશન અને પ્રોડક્ટ્સ જોઈને વખાણ કર્યાં હતાં.

પ્રાણીઓનાં ચામડાંમાંથી બનતી ચીજવસ્તુનું જબરસસ્ત મોટું માર્કેટ છે. એનાથી હિંસા તો થાય જ છે, પણ પર્યાવરણને પણ જબરદસ્ત નુકસાન પહોંચે છે. શું તમે જાણો છો કે કુદરતી ચામડું બનાવવાની પ્રક્રિયામાં પ્રતિ ચોરસ મીટર સરેરાશ ૧૭ કિલો કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે. આનાથી એ પ્રશ્ન ઊભો થાય છે કે શું આપણને ખરેખર પ્રાણીઓનાં ચામડાંમાંથી બનતી વૈભવી ચીજવસ્તુઓની જરૂર છે, જ્યારે એ આવા પર્યાવરણીય ખર્ચના ભોગે આવે છે. જોકે ઘણા સંશોધકો હવે પરંપરાગત ચામડા માટે પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ વિકલ્પ તૈયાર કર્યો છેે. કર્ણાટકના શિવમોગાના ૫૦ વર્ષના ઍરેકા પામ ઉત્પાદક સુરેશ એસઆરે ૧૦૦ ટકા કેમિકલ-ફ્રી વીગન લેધર બનાવ્યું છે. ઍરેકા પામનાં પાંદડાં અને ભૂસામાંથી તેમણે શાકાહારી ચામડું વિકસાવ્યું છે. એ વિશે તેઓ કહે છે, ‘હું પર્યાવરણ માટે કંઈક નવું અને સારું કરવા માગતો હતો, કારણ કે આપણે કુદરત પાસેથી ઘણું લઈએ છીએ, પણ પાછું કંઈ આપતા નથી એથી મેં ચામડા ઉદ્યોગથી મોટા પ્રમાણમાં થતા કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં કામ કરવાનું વિચારેલું.’

સુરેશનો જન્મ કર્ણાટકના શ્રુંગેરી નામના નાના શહેરમાં થયો હતો. તેઓ ખેડૂત પરિવારમાંથી આવતા હોવાથી તેમણે તેમની આસપાસ માત્ર પ્રકૃતિ જ જોઈ હતી. તેમના શહેરમાં ઍરેકા પામનાં પુષ્કળ વૃક્ષો હતાં. સોપારીના કુળનો આ છોડ કર્ણાટકના દક્ષિણી જિલ્લાઓમાં પ્રાથમિક વ્યાપારી પાક છે જે એક લાખ હેક્ટરથી વધુ જમીનને આવરી લે છે એટલે તેમને માટે ઘરની આસપાસ અને પાડોશમાં આ છોડ વિપુલ પ્રમાણમાં ઊગતા જોયા હતા. 

સુરેશ ૧૯૯૨માં શિવમોગા ગયા હતા અને ૧૯૯૫માં તેમણે બિઝનેસ શરૂ કર્યો હતો, પરંતુ ધંધામાં ઘણાં વર્ષો પૂરાં કર્યા પછી તેઓ કંઈક નવું ઇનોવેશન કરવાની તલાશમાં હતા. લોકો ફાઇબર આધારિત ચામડું કેવી રીતે બનાવે છે એ જોઈને સુરેશ આશ્ચર્યચકિત થઈ ગયા હતા એટલે તેમણે પ્યૉર શાકાહારી ચામડાનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું અને એ માટે કયો પ્લાન્ટ યોગ્ય રહેશે એની શોધખોળ શરૂ કરી. એ વખતે સુરેશના બાળપણના બેસ્ટ ફ્રેન્ડે તેમની મદદ કરી. ‘મને યાદ છે કે જ્યારે ઍરેકા પામના પાનને તડકામાં સૂકવવામાં આવે અને પછી પાણીમાં પલાળવામાં આવે ત્યારે એ કેવી રીતે મજબૂત બને છે. બસ, પછી મને સમજાઈ ગયું કે હું જે દિશામાં જઈ રહ્યો છું એ બરાબર છે.’

સુરેશને આ ક્ષેત્રનો કોઈ અનુભવ ન હોવાથી તેમણે અન્ય કોઈ આવું જ કંઈક કરી રહ્યું છે કે નહીં એ તપાસવા માટે ઑનલાઇન સર્ચ કર્યું, ત્યારે તેમને નેધરલૅન્ડ્સમાં રહેતા ત્જાર્ડ વીનહોવનની જાણ થઈ હતી. વીનહોવનને પણ આ જ ફીલ્ડમાં રસ હતો. સુરેશ અને વીનહોવને આ વિચારને જીવનમાં લાવવા માટે સહયોગ કર્યો. વીનહોવને સુરેશને છોડને ચામડામાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા સમજવામાં મદદ કરી અને તેમણે ફાઇબરના રિસર્ચ અને વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આખરે ત્રણેક વર્ષ પહેલાં સુરેશે પત્ની મૈથિલી સાથે મળીને આ ટેક્નૉલૉજી પર આધારિત વીગન ચામડું બનાવવાનું શરૂ કર્યું અને હવે તો તેમને આ ટેક્નૉલૉજીની પેટન્ટ પણ મળી ગઈ છે. 

offbeat videos offbeat news social media viral videos