કૉન્ટ્રૅક્ટ કિલરની પોલીસમાં ફરિયાદ: મારી પાસે હત્યા કરાવી, પણ એના ૨૦ લાખ રૂપિયા ન આપ્યા

10 November, 2024 06:04 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

એક વર્ષ કરતાં વધુ સમય થયો ત્યારે સોપારીકિલર નીરજ શર્મા જામીન લઈને જેલમાંથી બહાર આવ્યો. હવે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને સોપારી-કિલિંગના ૨૦ લાખ રૂપિયા નથી મળ્યા

સોપારીકિલર નીરજ શર્મા

ઉત્તર પ્રદેશના મેરઠમાં ૨૦૨૩ની ૭ જૂને વકીલ અંજલિ ગર્ગની હત્યા થઈ હતી. પોલીસે તપાસ કરીને સોપારીકિલર અને તેના સાગરીતને પકડી લીધા અને બન્નેને જેલમાં ધકેલી દીધા. આ વાતને એક વર્ષ કરતાં વધુ સમય થયો ત્યારે સોપારીકિલર નીરજ શર્મા જામીન લઈને જેલમાંથી બહાર આવ્યો. હવે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને સોપારી-કિલિંગના ૨૦ લાખ રૂપિયા નથી મળ્યા. અંજલિ ગર્ગની હત્યા કરવા માટે તેના પતિ, સાસુ અને સસરાએ જ સોપારી આપી હતી. હત્યારાની ફરિયાદ પછી હત્યાકેસમાં નાટ્યાત્મક વળાંક આવ્યો છે. અંજલિ છૂટાછેડા લઈને સસરાના ઉમેશ વિહારમાં આવેલા મકાનમાં એકલી રહેતી હતી. એ મકાન પાછું લેવા માટે બન્ને પક્ષે વિવાદ ચાલતો હતો. તેમણે અંજલિ સામે ચોરીની ખોટી ફરિયાદ પણ નોંધાવી હતી. સામે અંજલિએ આ લોકો સામે ઘરફોડ-ચોરીની ફરિયાદ કરી હતી અને એ લોકોએ જેલમાં પણ જવું પડ્યું હતું. એ પછી અંજલિને પોતાનું મકાન પાછું મળી ગયું હતું એટલે બદલો લેવા માટે અંજલિની હત્યાનું કાવતરું કરવામાં આવ્યું હતું. 

નીરજ શર્માએ પોલીસને કહ્યું કે અંજલિની હત્યા કરવા માટે તેના પતિ સહિતના સાસરિયાં મને દબાણ કરતા હતા. હત્યા કરવા માટે ૨૦ લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું, પણ પૈસા ન મળતાં નીરજે પોલીસને ઑડિયો રેકૉર્ડિંગ, ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ સહિતના પુરાવા આપ્યા છે. પોલીસે હવે તપાસ શરૂ કરી છે.

uttar pradesh murder case national news news offbeat news