01 December, 2024 02:08 PM IST | Kochi | Gujarati Mid-day Correspondent
કોચીનના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક
કોચીનના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે ગુરુવારે ઐતિહાસિક ઘટના બની હતી. આ ઍરપોર્ટને ઍનિમલ ક્વૉરન્ટીન ઍન્ડ સર્ટિફિકેશન સર્વિસિસ (AQCS) સર્ટિફિકેટ મળ્યું છે. વિદેશથી પાળેલાં પ્રાણી લાવી શકાય એ માટે અપાતું પ્રમાણપત્ર મેળવનાર ભારતનું આ સાતમું હવાઈ મથક બન્યું છે. કોચી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ગુરુવારે ઍર ઇન્ડિયાના વિમાનમાં ઊડીને ઈવા નામની એક વર્ષની બિલાડી કતરથી ભારત આવી હતી. ઍરપોર્ટના કમર્શિયલ ઑપરેશન્સને ૨૫ વર્ષ થઈ ગયાં છે અને સર્ટિફિકેટ મેળવ્યા પછી ઈવા કોચી ઍરપોર્ટ પર આવનારું પહેલું પાળેલું પ્રાણી બની છે. કેરલાના ત્રિશૂર જિલ્લામાં ચેલાક્કારા ગામ છે. ત્યાંના કે. એ. રામચન્દ્રન કતરના દોહામાં ૩૪ વર્ષથી રહેતા હતા અને હવે પાછા વતન આવ્યા છે. ઑટોમોબાઇલ મેકૅનિક રામચંદ્રનને એક વર્ષ પહેલાં ઘર પાસે આ બિલાડી મળી હતી. રામચંદ્રન એને ઘરે લઈ આવ્યા અને પાળી એ પછી બિલાડી ઘરની સભ્ય બની ગઈ. પાછા આવવાનું નક્કી કર્યું ત્યારે એને એકલી મૂકવાનું મન ન માન્યું અને તેમના દીકરાએ બિલાડીને પણ સાથે લઈ આવવા કહ્યું. ઈવા ટર્કી નસલની હશે એવું વેટરિનરી ડૉક્ટરોનું કહેવું છે.
રામચંદ્રને કહ્યું કે કતરથી પાળેલા પ્રાણીને લઈ જવાની પ્રક્રિયા બહુ ઝંઝટવાળી હોય છે. વેટરિનરી ડૉક્ટરે ઈવાને તપાસી અને એ પછી એનો પાસપોર્ટ બનાવ્યો. એમાં એની ઉંમર ૧ વર્ષ ૩ મહિના સહિતની વિગતો ઉમેરાઈ. પાસપોર્ટ બની જાય એ પછી વૅક્સિન સર્ટિફિકેટ, મેડિકલ સર્ટિફિકેટ, માલિકની ફ્લાઇટની ટિકિટ અને પાસપોર્ટની નકલ સાથે ઍરલાઇન્સને અરજી કરવામાં આવે છે. એ રીતે ઈવા માટે ઍર ઇન્ડિયાને અરજી કરી હતી. વેટરિનરી ડૉક્ટરોએ આપેલા દસ્તાવેજોની કાયદેસરતા મુસાફરીની તારીખ પહેલાંના ૭ દિવસ પૂરતી જ હોય છે. એ સિવાય ભારતમાં પાળેલાં પ્રાણી લાવવા માટે કેન્દ્રીય પશુપાલન મંત્રાલયનું ઍનિમલ ક્વૉરન્ટીન અને સર્ટિફિકેશન સર્વિસનું નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવું પડે છે. આ બધું કર્યા પછી ઈવાને ભારત લાવી શકાઈ. ઈવા માટે ટિકિટ લેવાની જરૂર નહોતી છતાં ઈવાના ૩ કિલો અને એની બૅગના બે કિલો વજન પ્રમાણે રામચંદ્રને ૩૪૦ કતરી રિયાલ (અંદાજે ૭૯૦૨.૬૪ રૂપિયા) ચૂકવવા પડ્યા હતા.