02 April, 2024 10:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડિયોની તસવીર
ઇન્ટરનેટ પર ચૉકલેટ-કેક બનાવવાની અનેક રેસિપી ઉપલબ્ધ છે. કેટલીક ટ્રેડિશનલ તો કેટલીક ઇન્સ્ટન્ટ રેસિપી હોય છે જે ઓછામાં ઓછાં ઇન્ગ્રેડિયન્ટ સાથે બની જાય છે, પરંતુ હાલમાં એક કેક-રેસિપી વાઇરલ થઈ છે જે એટલી વિચિત્ર છે કે લોકો એના ટેસ્ટની પણ કલ્પના નથી કરી શકતા. ઍક્સ પર પોસ્ટ થયેલા વિડિયોમાં વ્યક્તિ થમ્સ અપની બૉટલમાં બે ઈંડાંની જર્દી (એગ યૉક) નાખે છે અને બૉટલમાં સારી રીતે મિક્સ કરે છે. એ પછી આ પેસ્ટને મિક્સર જારમાં નાખીને એમાં ડેરી મિલ્ક ચૉકલેટ અને એક કપ મેંદો નાખે છે. આ બેટરને કેક-મોલ્ડમાં રેડવામાં આવે છે અને ડેરી મિલ્કના ટુકડાથી ગાર્નિશ કરીને એને ઍલ્યુમિનિયમ ફોઇલ વડે ઢાંકવામાં આવે છે. પ્રેશર કુકરની અંદર કેક-મોલ્ડને મૂક્યા બાદ ૧૫ મિનિટમાં આ થમ્સ અપ ચૉકલેટ કેક તૈયાર થઈ જાય છે. જેમ થમ્સ અપ કહે છે, ‘ટેસ્ટ ધ થન્ડર...’ આ ભાઈને ખરેખર થન્ડર ટેસ્ટ કરવા માટે દાદ દેવી પડે!