આગ લાગે તો બહારથી બીજા બિલ્ડિંગમાં જવા દરવાજો અને સીડી બનાવ્યાં ચીની મહિલાએ

24 November, 2024 05:46 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

આપણે ત્યાં ફ્લૅટ કે અપાર્ટમેન્ટમાં આપણી રીતે ફેરફાર કરીએ કે પ્લાન હોય એના કરતાં જુદું બાંધકામ કરાવીએ તો કોઈ ધ્યાન સુધ્ધાં આપતું નથી. સરકાર કે મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસે પણ આવુંબધું ચકાસવા માટે સમય નથી હોતો

બહારની દીવાલ તોડીને લોખંડનો દરવાજો મુકાવ્યો હતો અને બાજુના બિલ્ડિંગમાં જઈ શકાય એ માટે સીડી પણ બનાવી હતી

આપણે ત્યાં ફ્લૅટ કે અપાર્ટમેન્ટમાં આપણી રીતે ફેરફાર કરીએ કે પ્લાન હોય એના કરતાં જુદું બાંધકામ કરાવીએ તો કોઈ ધ્યાન સુધ્ધાં આપતું નથી. સરકાર કે મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસે પણ આવુંબધું ચકાસવા માટે સમય નથી હોતો, પરંતુ ચીનમાં આ માટે પણ કડકાઈથી નિયમોનું પાલન કરાવાય છે. મધ્ય ચીનના હુનાન પ્રાંતના ચાંગદેમાં ૩૨ માળના બિલ્ડિંગમાં વાંગ નામની મહિલાનો ફ્લૅટ ૨૮મા માળે છે. થોડા મહિના પહેલાં તેણે બહારની દીવાલ તોડીને લોખંડનો દરવાજો મુકાવ્યો હતો અને બાજુના બિલ્ડિંગમાં જઈ શકાય એ માટે સીડી પણ બનાવી હતી. ત્યાં રહેતા કોઈ માણસે સરકારની વેબસાઇટ પર આની જાણ કરી હતી. મ્યુનિસિપલ કૉર્પોરેશને આવું કરવાનું કારણ પૂછ્યું તો વાંગે કહ્યું કે આગ લાગે ત્યારે બચી શકાય એટલે દરવાજો મુકાવ્યો છે અને ભાગીને બીજા બિલ્ડિંગમાં પહોંચવા માટે સીડી બનાવી છે. જોકે મ્યુનિસિપલ કૉર્પોરેશને બિલ્ડિંગની ક્ષમતાની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે દરવાજો અને સીડી બનાવવામાં વાંગે બાંધકામના નિયમોનો ભંગ કર્યો છે. એટલે વાંગને દરવાજો અને સીડી કાઢીને પહેલાંની જેમ જ દીવાલ બનાવવાનો આદેશ કર્યો છે. કૉર્પોરેશનના અધિકારીઓએ વાંગને આ માટેના કાયદા પણ સમજાવ્યા અને તેને નિર્ધારિત સમયમાં કામ પૂરું કરાવવા કહ્યું છે.

china international news news offbeat news world news social media