સૌથી વધુ વાસ મારતું પાણી તૈયાર કરવાની ચીનની સ્કૂલોમાં હોડ

06 June, 2024 03:52 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

આ વિદ્યાર્થીઓ આટલેથી ન અટકતાં બૉટલ પર રેસિપી લખીને ઑનલાઇન પોસ્ટ કરે છે જેથી અન્ય લોકો પણ આ ટ્રેન્ડમાં જોડાય. બીજી તરફ નિષ્ણાતોનું માનવું છે કે આવાં ગતકડાં કરવામાં લોકોનું આરોગ્ય જોખમાઈ શકે છે.

ગંધાતું પાણી

ઑનલાઇન વિડિયોથી પ્રેરાઈને ચીનની પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલનાં બાળકો વિચિત્ર હરકત કરી રહ્યાં છે. તેમની વચ્ચે સૌથી દુર્ગંધયુક્ત પાણી બનાવવાની હોડ જામી છે. સ્કૂલમાં ભણતાં બાળકો ઑનલાઇન રેસિપી જોઈને પ્લાસ્ટિકની બૉટલમાં સાંભળીને પણ ઊબકા આવે એવી દુર્ગંધવાળી ચીજો ભરી રહ્યાં છે. તેઓ બૉટલમાં લાળ, વંદો, માખી, મચ્છર, ઉંદરની પૂંછડી, ડુક્કરનું માંસ, હૅન્ડ ક્રીમ અને તમામ પ્રકારનાં એક્સપાયર થઈ ગયેલાં લિક્વિડનું મિશ્રણ બનાવે છે અને એને શક્ય એટલું વધારે દુર્ગંધયુક્ત બનાવવા માટે ક્લાસરૂમની બહાર સૂર્યપ્રકાશમાં મૂકી રાખે છે જેથી એમાં આથો આવવાની પ્રક્રિયા થાય.

આ વિદ્યાર્થીઓ આટલેથી ન અટકતાં બૉટલ પર રેસિપી લખીને ઑનલાઇન પોસ્ટ કરે છે જેથી અન્ય લોકો પણ આ ટ્રેન્ડમાં જોડાય. બીજી તરફ નિષ્ણાતોનું માનવું છે કે આવાં ગતકડાં કરવામાં લોકોનું આરોગ્ય જોખમાઈ શકે છે. બૉટલમાં આથો આવ્યા બાદ એમાં ઉત્પન્ન થતાં અમોનિયા, ફોર્માલ્ડીહાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ ઝેરીલાં હોય છે જેના સંપર્કમાં આવતાં વ્યક્તિના શ્વસનતંત્ર પર અસર થઈ શકે છે, ચક્કર આવી શકે છે અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને નુકસાન થઈ શકે છે. એવાં એકાધિક ઉદાહરણ સામે આવ્યાં છે જેમાં બૉટલમાં ઊભરો આવ્યા બાદ એ ફાટી ગઈ હોય અને બાળકો પર આ ગંદું પાણી ઊડતાં તેઓને ઊલટી થઈ હોય.

offbeat news china international news