21 July, 2024 10:03 AM IST | China | Gujarati Mid-day Correspondent
પૅન શિયાઓટિંગ
ચાઇનીઝ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર પૅન શિયાઓટિંગ નામની ૨૪ વર્ષની કન્યા પોતાની ચૅનલ પર અકરાંતિયાની જેમ બે હાથે ખાઈને લોકોનું મનોરંજન કરતી હતી. જોકે એ માટે તેને પૈસા પણ અઢળક મળતા હતા. અલબત્ત, કૅમેરા સામે ખાવાનું લાઇવ સ્ટ્રીમિંગ કરવા પર ચીનમાં જબરો વિરોધ થવા લાગ્યો હતો અને આવું કરનારને ૧૦,૦૦૦ યુઆનનો દંડ પણ ભરવો પડતો હતો છતાં એશિયન દેશોમાં લાઇવ ઇટિંગ સ્ટ્રીમિંગ કરનારા લોકોનો તોટો નથી. પૅન શિયાઓટિંગ નામની કન્યા જે પહેલાં વેઇટ્રેસ તરીકે કામ કરતી હતી તે છેલ્લાં થોડાં વર્ષોથી લાઇવ ઇટિંગ સ્ટ્રીમિંગ શરૂ કરીને અઢળક કમાણી કરતી હતી. તે જેટલી માત્રામાં ખોરાક ખાઈ જતી હતી એ જોઈને ભલભલા દંગ રહી જતા હતા. લોકોને વધુ મનોરંજન થાય એ માટે તે ખોરાકની માત્રા વધારતી જતી હતી. જોકે થોડા દિવસ પહેલાં આવા જ એક સેશન દરમ્યાન તેણે એટલું બધું ખાધું કે તે શ્વાસ પણ લઈ શકે એમ ન રહી અને લાઇવ સ્ટ્રીમિંગ દરમ્યાન જ તેણે જીવ છોડી દીધો.