28 November, 2024 02:39 PM IST | China | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચીનના ઉત્તરીય શહેર તિયાનજિનમાં રહેતી ૨૭ વર્ષની યુવતી લિયુનું મૃત્યુ આઘાત અને આશ્ચર્ય કરાવે એવું છે. લિયુને મ્યુરોફાઇબ્રોમેટાસિસની બીમારી હતી. ત્રણ આનુવંશિક વિકારના જૂથ નર્વ્સ સિસ્ટમમાં ગાંઠ બનાવે એને મ્યુરોફાઇબ્રોમેટાસિસ કહે છે. એ સિવાય પણ તેના શરીર પર જન્મથી કેટલાક કાળા ડાઘ હતા. લિયુને એ બર્થમાર્ક અને ટ્યુમર કઢાવવાં હતાં એટલે તેણે લેસર ટ્રીટમેન્ટ કરાવવાનું નક્કી કર્યું. તેણે ૯ ટ્રીટમેન્ટ કરાવી અને દસમી ટ્રીટમેન્ટ પછી તેનું મૃત્યુ થયું હતું. લેસર ટ્રીટમેન્ટ માટે તેણે ૧૧.૬૩ લાખ રૂપિયા જેટલો ખર્ચ પણ કર્યો હતો. લિયુની માતાએ કહ્યું કે ઍનેસ્થેસિયાના વારંવારના ઉપયોગને કારણે લિયુએ દસમી ટ્રીટમેન્ટ અટકાવી દીધી હતી. એ પછી ૨૧ ઑક્ટોબરે દસમી ટ્રીટમેન્ટ કરતી વખતે તેણે ઍનેસ્થેટિક ક્રીમ લગાવી હતી. એ લગાવતાં જ થોડી વારમાં તેને ચક્કર આવ્યાં. તેને સ્ટ્રોક આવ્યો અને કાર્ડિઍક અરેસ્ટ થઈ. ડૉક્ટરોએ ક્રીમ સાફ કરી પણ કોઈ ફેર ન પડ્યો એટલે તેને તાત્કાલિક બીજી હૉસ્પિટલ લઈ ગયા. અહીં ૧૦ દિવસ પછી તેનું મૃત્યુ થયું હતું. ઇમર્જન્સીના ડૉક્ટરોએ કહ્યું કે વધુ પડતા ઇન્ટ્રાક્રેનીલ પ્રેશરને કારણે લિયુનું મૃત્યુ થયું છે.