09 January, 2025 10:42 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ચીનમાંથી એક બેહદ ચોંકાવનારો કેસ બહાર આવ્યો છે જેમાં લિયુ નામની એક મહિલા એક છોકરાની મમ્મી બન્યા પછી હજી એક છોકરાની પપ્પા પણ બની છે. તેના શરીરમાં બે પ્રજનન-પ્રણાલી છે જેને મેડિકલ ભાષામાં ઓવોટેસ્ટિક્યુલર ડિસઑર્ડર તરીકે ઓળખવામાં આવે છે અને આ ખૂબ દુર્લભ કેસમાં જ થાય છે.
લિયુની ઉંમર હાલમાં ૫૯ વર્ષની છે. તે મૂળ સાઉથ-વેસ્ટર્ન ચીનની બિશન કાઉન્ટીની છે અને ત્યાં એક નાના ગામમાં રહેતી હતી. તે ૧૮ વર્ષની થઈ ત્યારે તેનાં લગ્ન તાંગ અટક ધરાવતા યુવાન સાથે કરવામાં આવ્યાં હતાં. થોડા જ સમયમાં તેને એક પુત્ર જન્મ્યો હતો. પુત્રના જન્મ બાદ લિયુના શરીરમાં એકાએક હૉર્મોનલ ડિસબૅલૅન્સ થયું અને તેના શરીરમાં ઍન્ડ્રોજનિક હૉર્મોન વધવા લાગતાં તેના મોં પર પુરુષોની જેમ દાઢી આવવા લાગી, તેની છાતી ઘટવા લાગી અને તેના શરીરમાં પુરુષના પ્રજનનઅંગનો વિકાસ થવા લાગ્યો. આના પગલે પતિ તાંગે તેને છૂટાછેડા આપી દીધા.
શરીરમાં થયેલા આ વિચિત્ર બદલાવને કારણે લિયુએ એ ગામ છોડીને બીજે વસવાટ કર્યો અને ત્યાં પુરુષ તરીકે એક શૂઝ ફૅક્ટરીમાં કામ કરવા લાગી. આ ફૅક્ટરીમાં કામ કરતી ઝોઉ નામની મહિલા તેના પ્રેમમાં પડી. લિયુની ઓળખ સરકારી ધોરણે તો મહિલાની જ હતી અને તેથી તેણે ઝોઉના પ્રેમનો પ્રસ્તાવ ફગાવી દીધો કારણ કે ચીનમાં સમલૈંગિક લગ્નો શક્ય નથી. આથી લિયુ તેના પહેલા પતિ તાંગ પાસે ગઈ અને તેને ઝોઉ સાથે લગ્ન કરવા જણાવ્યું. આમ કરવાથી લિયુ અને ઝોઉનાં લગ્નને માન્યતા મળી જાય. આના બદલામાં પુત્રના ઉછેર માટે લિયુએ પોતાના ભૂતપૂર્વ પતિને વધારાની આર્થિક મદદ આપી. લિયુ સાથે લગ્ન બાદ ઝોઉ પ્રેગ્નન્ટ થઈ અને તેણે ૨૦૦૦ના પહેલા દશકામાં એક છોકરાને જન્મ આપ્યો.
આમ તાંગનો છોકરો લિયુને મમ્મી કહે છે, પણ ઝોઉનો પુત્ર લિયુને પપ્પા કહે છે. આ અનોખો કિસ્સો ચીનમાં ૨૦૦૫માં રિપોર્ટ થયો હતો અને એ સોશ્યલ મીડિયામાં હમણાં ભારે વાઇરલ થયો છે. ડૉક્ટરો લિયુનું ફિઝિકલ એક્ઝામિનેશન કરવા માગે છે, પણ તેણે એ નકારી દીધું છે. મોંઘી ટ્રીટમેન્ટના કારણે લિયુ સર્જરી કરાવીને પુરુષ બની નથી.