બાળક જન્ક-ફૂડની ડિમાન્ડ વધુ કરે છે? તો બની શકે કે તેની ઊંઘ પૂરતી ન થઈ હોય

08 February, 2024 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અપૂરતી ઊંઘના ત્રીજા દિવસે ૧૪ ટકા વધુ કૅલરી ખવાય છે.

બાળકની પ્રતીકાત્મક તસવીર

ઊંઘ પૂરતી ન મળતી હોય એવાં બાળકો વધુ અને અનહેલ્ધી ખાય છે એવું અમેરિકાના નિષ્ણાતોએ કરેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે. પુખ્ત વયના લોકો કરતાં બાળકોની ઊંઘની જરૂરિયાત વધારે હોય છે એટલે છથી સાત વર્ષ સુધીનાં બાળકો રાતની ઊંઘ ઉપરાંત દિવસે પણ અમુક ચોક્કસ કલાકો માટે સૂઈ જાય એ જરૂરી છે. જે બાળકો બપોરે ઊંઘતાં નથી અને રાતે પણ મોડે સુધી જાગતાં રહે છે તેઓ મેદસ્વી થઈ જાય છે. યુનિવર્સિટી ઑફ કોલોરાડોના રિસર્ચરોએ કરેલા એક અભ્યાસમાં બાળકોના સૂવાના કલાકો અને સ્વાસ્થ્યના સંબંધની કડી તપાસવામાં આવી હતી. જે બાળકો બપોરે ઊંઘતાં નથી અને રાતે પણ રેગ્યુલર શેડ્યુલ કરતાં બે કલાક મોડાં સૂતાં હોય છે એવાં બાળકોને જન્ક અને અનહેલ્ધી ફૂડ ખાવા જોઈએ છે. અપૂરતી ઊંઘ લીધાના બીજા દિવસે બાળકોનો કૅલરી ઇનટેક નોંધતાં જાણવા મળ્યું હતું કે બાળકો ૨૦ ટકા જેટલી વધુ કૅલરી ખાય છે. આ અસર બાળક જસ્ટ ત્રણથી ચાર વર્ષનું હોય ત્યારની છે. અપૂરતું સૂતાં બાળકો રોતલ બની જાય છે. તેમને ગળી ચીજો દ્વારા શાંત રાખવામાં આવે છે જેને કારણે રોજિંદા ક્રમ કરતાં ૨૫ ટકા વધુ શુગર અને ૨૬ ટકા વધુ કાર્બોહાઇડ્રેટ શરીરમાં જાય છે. અભ્યાસમાં એવું પણ નોંધાયું હતું કે જો બીજા દિવસે બાળકોને પૂરતી ઊંઘ આપવામાં આવે તો પણ એની થોડીક અસર રહે છે. અપૂરતી ઊંઘના ત્રીજા દિવસે ૧૪ ટકા વધુ કૅલરી ખવાય છે.

offbeat videos offbeat news health tips