12 September, 2024 02:30 PM IST | London | Gujarati Mid-day Correspondent
યુરોપમાં જન્મેલું આ માત્ર ચોથું કેસોવરી બચ્ચું છે.
ઇંગ્લૅન્ડના બોર્ટન ઑન ધ વૉટરના બર્ડલૅન્ડની મહેનત ૨૫ વર્ષ પછી ફળી છે. અહીં વિશ્વનું દુર્લભ પણ સૌથી ખતરનાક પક્ષી સધર્ન કેસોવરીનું બચ્ચું જન્મ્યું છે. બચ્ચાને નેધરલૅન્ડ્સના એવિફુનાના નર અને જર્મનીના ફ્રૅન્કફર્ટની માતાએ જન્મ આપ્યો છે. યુરોપની લુપ્ત થતી પ્રજાતિના સંવર્ધન માટે આ પક્ષીઓને ૨૦૧૨માં બર્ડલૅન્ડમાં લવાયાં હતાં. નર પક્ષી બે મહિના સુધી ઈંડાં સેવતું હોય છે અને ૧૬ મહિના સુધી બચ્ચાનું રક્ષણ કરે છે, એને ખાતાં-પીતાં શીખવે છે અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે. પ્રજનન માટે આ પક્ષીઓની આવશ્યકતા વિશિષ્ટ હોવાથી પાંજરામાં બાળકને લાવવાનું કામ અઘરું હોય છે. છતાં યુનાઇટેડ કિંગડમમાં ૨૦૨૧ પછી પહેલી વાર બચ્ચું ઈંડામાંથી બહાર નીકળ્યું છે. યુરોપમાં જન્મેલું આ માત્ર ચોથું કેસોવરી બચ્ચું છે. ગ્લૉસ્ટરશરમાં આવેલા બર્ડલૅન્ડના ઍનિમલકીપર એલિસ્ટર કીને કહ્યું હતું કે ‘કેસોવરી પક્ષીનો સ્વભાવ ખૂબ જ જોખમી અને ખતરનાક હોય છે. આ પક્ષીઓ ઊડી શકતાં નથી, પરંતુ એમના પગ વિશાળ હોય છે અને પંજા ખંજર જેવા હોય છે. આ કારણે આ પક્ષીઓ બહુ વિકરાળ લાગતાં હોય છે. ગુસ્સાવાળા સ્વભાવને કારણે આ પક્ષીઓની દેખરેખ પણ સાવચેત રહીને કરવી પડતી હોય છે.’