દેશનું સૌથી મોંઘું શાક કયું? ઇન્ટરનેટ કહે છે કે બસ્તર જિલ્લાનું બોડા શાક

01 December, 2023 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બટાટા જેવું દેખાતું પાણીની અંદર ઊગતું એક મશરૂમ જેવું આ શાક છે.

બસ્તર જિલ્લાનું બોડા શાક

છત્તીસગઢનો બસ્તર જિલ્લો આમ તો ઘણી બધી વાતો માટે વિખ્યાત છે. એ રાજ્યનું સાંસ્કૃતિક કેન્દ્ર ગણાય છે. ચિત્રકૂટ નામનો વિખ્યાત ધોધ અહીં આવેલો છે છતાં બીજી એક વધુ બાબત માટે પણ આ જિલ્લો વિખ્યાત બન્યો છે અને એ છે ત્યાં ઊગતું બોડા નામનું એક અનોખું અને મોંઘું શાક. દેશનું સૌથી મોંઘું શાક હોવાનો દાવો થઈ રહ્યો છે, કેમ કે એની કિંમત છે કિલોના ૪૦૦૦ રૂપિયા. થોડા સમય પહેલાં ટમેટાં અને કાંદાના ભાવ આસમાને પહોંચ્યા હતા ત્યારે લોકો એમ વિચારતા હતા કે શું ટમેટાં અને કાંદા કરતાં પણ વધુ મોંઘું કોઈ શાક હોઈ શકે? તો એનો જવાબ છે, હા, બસ્તર જિલ્લાનું બોડા શાક બહુ મોંઘા ભાવે વેચાતું હોય છે અને ખાસ તો એની ડિમાન્ડ વધુ હોય ત્યારે એ ૮૦૦થી માંડીને ૪૦૦૦ રૂપિયા કિલોના ભાવે વેચાય છે. બોડા નામનું આ શાક બારે મહિના ઉપલબ્ધ નથી હોતું, એ ફક્ત જૂન-જુલાઈમાં જ મળે છે. બટાટા જેવું દેખાતું પાણીની અંદર ઊગતું એક મશરૂમ જેવું આ શાક છે. બોડા આટલું મોંઘું શા માટે હોય છે એના જવાબમાં ક્વોરા વેબસાઇટ પર એક વ્યક્તિએ લખ્યું કે ચોમાસું આવતાં જ બસ્તરના લોકો બહુ ખુશી અનુભવતા હોય છે એટલે તેઓ ચોમાસાના આગમન નિમિત્તે બોડાનું સ્વાદિષ્ટ શાક ખાવાની મોજ માણે છે.

chattisgarh offbeat news