28 November, 2023 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇન્ટરનેટ પર આજકાલ રોસ્ટેડ મિલ્ક ટીની ઘેલછા જોવા મળે છે. આ નવા પ્રકારની ચાની સોશ્યલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે.
આમ તો ચા એ આપણા ઘર-ઘરનું પીણું છે, પરંતુ ડિજિટલ મીડિયાને કારણે આ ચાની બાબતમાં એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે. ખાણીપીણીના શોખીન એવા એક માણસે રોસ્ટેડ મિલ્ક ટીની રેસિપી સોશ્યલ મીડિયામાં મૂકી છે અને ત્યારથી લોકોને એમાં ખૂબ રસ પડવા માંડ્યો છે. આમ તો આ ચા જેવી ચા જ છે, પરંતુ એ બનાવવાની રીત અલગ છે. રોસ્ટેડ મિલ્ક ટીમાં ટી બનાવવાની રીત કંઈક આવી છે : એમાં પહેલાં ચાની પત્તી, ખાંડ અને એલચીને મિક્સ કરીને શેકવામાં આવે છે. ત્યાર પછી ચાસણી જેવું બને અને સુગંધ આવે ત્યારે એમાં દૂધ ભેળવવામાં આવે છે. આ પદ્ધતિમાં ચાની પત્તીને ગરમ કરવાને બદલે શેકવામાં આવે છે.
આ રીતે બનાવેલી ચા આપણી પારંપરિક ચા કરતાં સાવ અલગ છે અને એનો સ્વાદ પણ અલગ છે. ઘણાને તો એની સુગંધ ખૂબ ગમી ગઈ છે.જોકે કોઈ પણ નવી વાત આવે ત્યારે અમુક લોકોને વાંધા તો પડવાના જ. હવે ચાના કેટલાક રસિયાઓ ઘણા ઝનૂની હોય છે. તેમને તો આટલાં વર્ષોથી જે ચા પીતા આવ્યા હોય એ સિવાયની ચા ભાવે જ નહીં એ સ્વાભાવિક છે. આથી ઘણા લોકો એવી ટીકા કરી રહ્યા છે કે આ ચા તો સાવ બનાવટી છે. એ કંઈ પીવા જેવી નથી. આવી ટીકા છતાં રોસ્ટેડ મિલ્ક ટીની ચર્ચા બહુ થઈ રહી છે અને આ આ વિડિયોને લાખો વ્યુઝ મળ્યા છે.
હવે જોઈએ કે આ રોસ્ટેડ મિલ્ક ટીનો ટ્રેન્ડ લાંબું ટકે છે કે પછી થોડા સમય પછી લોકો એને ભૂલી જશે.