13 August, 2024 09:27 AM IST | Ottawa | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કલાકોના કલાકો સોશ્યલ મીડિયામાં વેડફી નાખ્યા એટલે કામ થઈ શકતું નહોતું એટલે કૅનેડાના એક યુવાને એ બધાં જ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એકસામટો કેસ ઠોકી દીધો છે. બોલો, કામધંધો કર્યા વિના મોબાઇલ લઈને આપણે બેઠા રહીએ અને એમાં વાંક આ બધાં પ્લૅટફૉર્મનો. કૅનેડાના ૨૪ વર્ષના યુવાને ટિકટૉક, યુટ્યુબ, રેડિટ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતનાં તમામ મોટાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એકસાથે કેસ કરી નાખ્યો છે. કેસ કરવાના કારણમાં આ ભાઈસાહેબ એવી દલીલ રજૂ કરે છે કે આ બધાં પ્લૅટફૉર્મે મને વ્યસની બનાવી દીધો છે. પોતે કામ કરી શકતો નથી કે ઓછું કરી શકે છે. ૨૦૧૫થી પોતે સોશ્યલ મીડિયા જોવાનું શરૂ કર્યું ત્યાર પછીથી ધીમે-ધીમે વળગણ થઈ ગયું અને એને કારણે પોતે નકારાત્મક થવા માંડ્યો છે.
યુવકના વકીલે લત લાગવાનું કારણ આપ્યું છે કે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ જાણીજોઈને યુઝરનો ડોપામાઇન સ્રાવ ઉત્તેજિત કરવા માટે બનાવાયાં છે એટલે લત લાગે છે. એ યુવાને રોજ માત્ર બે કલાક સોશ્યલ મીડિયા જોવાનું શરૂ કર્યું હતું છતાં એ બધી ઍપ્લિકેશનોને કારણે તે ઊંઘી શકતો નહોતો અને કામ કરી શકતો નહોતો. ઍપ્લિકેશનની ડિઝાઇનમાં બેદરકારી દાખવી હોવાથી વળતરની માગણી કરી છે. સાથે-સાથે દંડ કરવાની પણ દાદ ચાહી છે. આ એક કેસ નથી, કૅનેડામાં સોશ્યલ મીડિયા સામે દાવો કરવાના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. આવો જ એક કેસ ઑન્ટારિયોનાં ૪ સ્કૂલ-બોર્ડે પણ શિક્ષણપ્રણાલીમાં અંતરાય ઊભો કરતાં ટિકટૉક, મેટા અને સ્નૅપચૅટ પર કેસ કર્યા છે. શાળાઓએ ૪.૫ અબજ ડૉલરના વળતરની માગણી કરી છે.