12 September, 2024 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર મિડ-ડે
મેટ્રો સિટી, મેગા સિટીના રૂપાળા નામ સાથે વૈભવ અને ભવ્યતા જોડાયેલાં હોય છે, પરંતુ મધ્યમ વર્ગ અને સામાન્ય મધ્યમ વર્ગના લોકોએ ઘણી વાર મહાનગરોમાં રહેવાની ભારે કિંમત ચૂકવવી પડતી હોય છે. એ કિંમત માત્ર આર્થિક નહીં, જુદી-જુદી રીતે કેવી રીતે ચૂકવવી પડે છે એ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA) પારસ ગંગવાલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર કહ્યું છે. CA ગંગવાલે આ વાત પાંચ પૉઇન્ટમાં કહી છે. તેમણે કરેલી ગણતરી પ્રમાણે મહાનગરોમાં ઘરનું કે ઑફિસનું ભાડું ૨૫થી ૩૦ ટકા વધુ હોય છે. સ્કૂલની ફી પણ બાળકદીઠ ૫૦૦૦થી ૧૦,૦૦૦ રૂપિયા હોય છે. મોંઘી સારવાર, આવાગમનમાં સમયનો વેડફાટ અને સતત તનાવગ્રસ્ત જીવનશૈલી. આ પાંચ મુદ્દા તો છે જ. એ ઉપરાંત રોજિંદી બાબતોમાં પણ ખર્ચ, વપરાશ અને રહેણીકરણીને કારણે લોકોને ઘણો ભોગ આપવો પડતો હોય છે. સોશ્યલ મીડિયામાં આ પોસ્ટ પર લોકોએ વિવિધ કમેન્ટ કરી છે.