03 April, 2024 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌતમ અદાણી
અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોતાની ૧૪ મહિનાની પૌત્રી કાવેરી સાથેનો એક ફોટો શૅર કર્યો હતો. કાવેરી ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણી અને તેની પત્ની પરિધિની પુત્રી છે. ફોટોમાં ગૌતમ અદાણીએ ૧૪ મહિનાની કાવેરીને તેડી છે અને કૅપ્શનમાં લખ્યું છે, ‘ઇન આંખોં કી ચમક કે આગે દુનિયા કી સારી દૌલત ફીકી હૈ.’ આ ફોટો લંડનમાં સાયન્સ મ્યુઝિયમ ખાતે નવી અદાણી ગ્રીન એનર્જી ગૅલરીમાં લેવામાં આવ્યો હતો. ફોટોના બૅકગ્રાઉન્ડમાં ગૌતમ અદાણીનાં પત્ની અને કાવેરીનાં માતા-પિતા છે. અબજોપતિ ગૌતમ અદાણીએ જણાવ્યું કે ‘મને મારી પૌત્રીઓ સાથે સમય પસાર કરવાનું ખૂબ ગમે છે. તેઓ સૌથી મોટા સ્ટ્રેસ રિલિવર છે. મારી બે જ દુનિયા છે - કામ અને પરિવાર. મારો પરિવાર મારા માટે શક્તિનો મોટો સ્રોત છે.’
લંડન મ્યુઝિયમમાં ૨૬ માર્ચે ‘એનર્જી રેવલ્યુશન : ધ અદાણી ગ્રીન એનર્જી ગૅલરી’નું અનાવરણ કરવામાં આવ્યું હતું અને એ માટે અદાણી-પરિવાર હાજર રહ્યો હતો. આ ગૅલરી રિન્યુએબલ એનર્જીના પડકાર અને તક વિશે માહિતી આપે છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની છે, જે વૈશ્વિક સ્તરે ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનનું નેતૃત્વ કરે છે.