05 October, 2024 12:16 PM IST | Wales | Gujarati Mid-day Correspondent
ડેમિયન વોઝ્નિલોવિઝ
યુકેના મૉનમાઉથશરના વેલ્શ કાઉન્ટીમાં ચોરીની એક વિચિત્ર ઘટના બની છે. ડેમિયન વોઝ્નિલોવિઝ નામનો ૩૬ વર્ષનો ચોર ૧૬ જુલાઈએ એકલી રહેતી મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. ત્યાં તેણે ચોરી નહોતી કરી, પણ ઘરનાં બધાં કામ કર્યાં હતાં. એ મહિલા ઘરે પાછી આવી ત્યારે જોયું તો ધોયેલાં કપડાં બહાર સૂકવાયેલાં હતાં, તેણે ખરીદેલી વસ્તુઓ ઘરમાં નિશ્ચિત જગ્યાએ મૂકેલી હતી. ટૂથબ્રશ પરનું હેડ બદલી દેવાયું હતું અને કચરાપોતાં પણ કરેલાં હતાં. જૂતાંની નવી જોડીનું પૅકિંગ પણ ખોલી નખાયું હતું અને પક્ષીઓને ચણ પણ નાખેલું જોઈને મહિલાને આશ્ચર્ય તો થયું જ પણ ડર વધારે લાગ્યો. નકામો કચરો પણ રીસાઇકલ બિનમાં નાખી દેવાયો હતો. ફ્રિજ વ્યવસ્થિત ગોઠવી દીધું હતું. ઘરને વ્યવસ્થિત ગોઠવીને ચોરે રસોઈ પણ કરી હતી. જતાં-જતાં તેણે ચિઠ્ઠી લખી હતી, ‘ચિંતા ન કરશો, ખુશ રહો, ખાઓ-પીઓ ને મજા કરો.’ આ બધું જોઈને મહિલાને પોતાના જ ઘરમાં રહેવાનો ડર લાગતો હતો. વોઝ્નિલોવિઝે ૨૯ જુલાઈએ એકલા રહેતા એક પુરુષના ઘરમાં પણ આવું જ કૃત્ય કર્યું હતું. જોકે પછી પોલીસે તેને પકડી લીધો હતો અને ગુરુવારે બાવીસ મહિનાની જેલની સજા પણ કરી છે.