21 December, 2024 04:13 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
એક ભેંસની માલિકી નિશ્ચિત કરવા માટે એની DNA ટેસ્ટ કરવામાં આવી
કર્ણાટકમાં એક બહુ દિલચસ્પ કિસ્સો બન્યો છે. અહીં એક ભેંસની માલિકી નિશ્ચિત કરવા માટે એની DNA ટેસ્ટ કરવામાં આવી છે. હકીકતમાં આ ભેંસ એક મંદિરની છે અને સેંકડો લોકો એની પૂજા કરે છે. જોકે આ ભેંસ કોની માલિકીની છે એ બાબતે બે ગામ વચ્ચે વિવાદ છેડાયો છે. કર્ણાટકના દેવનાગરી જિલ્લામાં આવેલા કુનીબેલાકેર અને કુલગત્તે ગામ વચ્ચે આ ઝઘડો થયો છે. આ બે ગામ વચ્ચે ૪૦ કિલોમીટરનું અંતર છે. આઠ વર્ષ પહેલાં કુનીબેલાકેર ગામમાં કરિયમ્મા દેવીના મંદિરને એક ભેંસ ભેટ કરવામાં આવી હતી જે હાલમાં ગાયબ છે. બીજી તરફ બેલેકર નામના ગામમાં એક ભેંસ જોવા મળી હતી. કુનીબેલાકેર ગામના લોકોનું માનવું છે કે આ તેમની ગાયબ થઈ ગયેલી ભેંસ છે જ્યારે કુલગત્તે ગામના લોકોને તેમના ગામની એ ભેંસ લાગે છે. એક ગામના લોકોનું કહેવું છે કે આ ભેંસ ૮ વર્ષની છે તો બીજાનું કહેવું છે કે એ ૩ વર્ષની છે. બન્ને ગામ આ ભેંસ પરની પોતાની માલિકી છોડવા તૈયાર ન હોવાથી પશુચિકિત્સકોએ એનાં હાડકાંની ઉંમરની તપાસ કરી તો ભેંસ ૬ વર્ષની હોવાનું લાગે છે. આ દાવો કુનીબેલાકેર ગામના દાવાની નજીક છે, પણ બીજા ગામવાળા એ સ્વીકારવા તૈયાર નથી.