27 August, 2024 12:53 PM IST | London | Gujarati Mid-day Correspondent
૧૦૦ વર્ષ પુરાણો પ્રેમપત્ર મળ્યો
બ્રિટનમાં ૪૮ વર્ષનાં મહિલા ડૉન કૉર્ન્સ સાથે સુખદ આશ્ચર્ય થાય એવી ઘટના બની હતી. ડૉન કૉર્ન્સે ૧૯૧૭માં બનેલું મકાન ખરીદ્યું હતું અને મે મહિનામાં પુત્ર લોકસ સાથે રહેવા આવ્યાં હતાં. માતા-પુત્ર બન્ને ઘરની સાફસફાઈ કરતાં હતાં ત્યારે પંચાવન ઇંચનું ટીવી જમીન પર પડ્યું અને ટાઇલ્સ તૂટી ગઈ. ડૉને જોયું તો ટાઇલ્સ નીચેથી એક કાગળ નીકળ્યો. એ કાગળ કોઈ રોનાલ્ડ હબ ગુડ નામના માણસે પરિણીત પ્રેમિકાને લખેલો પ્રેમપત્ર હતો. પત્ર પ્રમાણે બન્ને વચ્ચે છૂપો પ્રેમ હોવાનું જણાય છે. પત્રમાં લખ્યું છે, ‘પ્રિયે, તું મને રોજ સવારે મળવા આવીશ? પણ કોઈને કહેતી નહીં. આ આપણું સીક્રેટ રહેવું જોઈએ. કારણ કે તું પરિણીત મહિલા છે. તું મને મળવા આવે છે એવી જો કોઈને ખબર પડશે તો મુશ્કેલી થશે. હું તને બહુ પ્રેમ કરું છું. જો તું અડધી રાતે ફુલવુડ ટ્રામ કૉર્નર પર મને મળવા આવી શકે તો આવજે. તારો રોનાલ્ડ…’ પત્રમાં કોઈ તારીખ નથી લખાઈ પરંતુ એ પત્ર ૧૯૨૦માં લખાયો હોવો જોઈએ.