મેં પકડી સૌથી મોટી ગોલ્ડફિશ

23 November, 2022 11:58 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

આ માછલી ‘કાર્પ’ અને ‘કોઈ કાર્પ’ની વર્ણશંકર પ્રજાતિ છે,

ઍન્ડિ હેકેટ નામની એક વ્યક્તિએ વિશ્વની સૌથી મોટી ગોલ્ડ ફિશ પકડી

ઍન્ડિ હેકેટ નામની એક વ્યક્તિએ વિશ્વની સૌથી મોટી ગોલ્ડ ફિશ પકડી છે. નારંગી રંગની આ ૩૦.૫૦ કિલોની માછલીને એના નારંગી રંગને જોતાં કૅરટ (ગાજર) નામ પણ આપ્યું છે. આ માછલી ‘કાર્પ’ અને ‘કોઈ કાર્પ’ની વર્ણશંકર પ્રજાતિ છે, જે પરંપરાગત રીતે નારંગી રંગની હોય છે. કૅરટની ઉંમર ૨૦ વર્ષની હોવાનું મનાય છે. બ્રીટ જેસન કાઉલર જ્યારે યુવાન હતા ત્યારે તેમણે ફ્રાન્સ સરકાર દ્વારા સંચાલિત તળાવમાં આ માછલી નાખી આવી હતી. જોકે આ માછલીને પકડવાનું કામ ભારે મુશ્કેલ હતું, કારણ કે એ ભાગ્યે જ પાણીની સપાટી પર આવતી હતી. ૪૨ વર્ષના ઍન્ડિએ માછલી પકડવા માટે ૨૫ મિનિટ રાહ જોવી પડી હતી. તળાવની અંદર પડેલા પથ્થરમાં અવાજ કરતાં તેને આ સફળતા મળી હતી. ૨૦૧૯માં અમેરિકામાં જેસેને ફુગેટ દ્વારા એક ગોલ્ડ ફિશ પકડવામાં આવી ત્યારે તેને સૌથી મોટી ગોલ્ડ ફિશ ગણવામાં આવી હતી, જેનું વજન ૧૩.૬૦ કિલો હતું. જોકે એના કરતાં આ માછલીનું વજન બમણું છે. ઍન્ડિએ ફ્રાન્સના બ્લુવૉટર તળાવમાં આ માછલી પકડી છે. ઍન્ડિને ખબર હતી કે કૅરટ ત્યાં છે, પરંતુ વિચાર્યું નહોતું કે એને ક્યારે પકડી શકશે. ઍન્ડિએ કહ્યું કે માછલી મેં નાખેલું ફૂડ ખાતી હતી અને આખરે મારા હાથમાં એ પકડાઈ ગઈ. ઍૅન્ડિએ તળાવમાં કૅરટને પાછી છોડતાં પહેલાં એની સાથે ફોટો પણ પડાવ્યો હતો.

offbeat news international news great britain guinness book of world records