05 April, 2023 11:55 AM IST | Beijing | Gaurav Sarkar
બાફેલું ઈંડું ૨૦ વર્ષ બાદ માણેક જેવું દેખાવા લાગ્યું
ચીનની એક મહિલાએ પોતે નાની હતી ત્યારે એક બાફેલું ઈડું સાચવી રાખ્યું હતું અને પછી તે ભૂલી ગઈ હતી. એ પછી અશ્મિમાં ફેરવાઈ જતાં ઈંડાએ માણેક જેવો લાલ રંગ ધારણ કર્યો છે. ૨૦ વર્ષ જૂના આ ઈંડાના ફોટોને જોઈને લોકો અવાક્ થઈ ગયા છે. લોકોએ એ વિશે જાણવા માટે મહિલાનો સંપર્ક કર્યો હતો. મહિલાએ જણાવ્યું કે ‘આ ઈંડું ૨૦ વર્ષ પહેલાં મારી મમ્મીએ ખરીદ્યું હતું. ત્યારે હું પ્રાથમિક શાળામાં ભણતી હતી. ઈંડું કદમાં સામાન્ય કરતાં નાનું હતું. મને ટિફિનમાં આપવા માટે એને ઉકાળ્યું હતું અને બૅગમાં ભરી આપ્યું હતું, પરંતુ ત્રણ દિવસ મેં ખાધું નહોતું. ઈંડું બગડી ગયું હશે એમ માનીને મેં એ ખાવાની હિંમત નહોતી કરી, પરંતુ એ ઈંડાને ફ્રિજના ખાનામાં મૂકી દીધું હતું. મહિનાઓ સુધી હું એ જોવાનું ભૂલી ગઈ હતી.
આ પણ વાંચો : ચીનમાં એક વ્યક્તિ પતંગની દોર સાથે ૧૦૦ ફુટ ઊડ્યો
મારી મમ્મીનું ફરી ઈંડા પર ધ્યાન ગયું ત્યારે એ લાલ રંગનું થઈ ગયું હતું, એથી એને ફેંકી દેવાને બદલે મમ્મીએ એને દાગીનાના બૉક્સમાં રાખી દીધું હતું. વર્ષો વીતી જતાં માતા-પિતા પણ દાગીનાના બૉક્સ અને ઈંડા વિશે ભૂલી ગયાં હતાં. થોડા દિવસ પહેલાં સફાઈ કરતી વખતે શોધ્યું ત્યારે એ અશ્મિભૂત થઈ ગયું હતું અને પ્લાસ્ટિકના બૉલ જેવી રચના ધરાવતું હતું. એના પર ઝીણી તિરાડ પડી ગઈ હતી.’
આટલા લાંબા સમય સુધી ઈંડું કોહવાઈ કેમ ન ગયું એવો સવાલ લોકોને સતાવી રહ્યો છે. જોકે અહીંની ઠંડી આબોહવા એને માટે કારણભૂત હોઈ શકે છે. જોકે નિષ્ણાતો આ વાત માનવા તૈયાર નથી.