03 February, 2023 12:28 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
બ્લાઇન્ડ વ્યક્તિને લાકડી કે ડૉગ નહીં, પણ સ્માર્ટ સૂટકેસ મદદ કરશે
એક બ્લાઇન્ડ સાયન્ટિસ્ટે દૃષ્ટિહીન લોકો માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સંચાલિત સૂટકેસ બનાવી છે, જે લાકડી કે પછી ડૉગની મદદ વિના અસરકારક રીતે રસ્તો શોધવામાં મદદ કરે છે. ૬૫ વર્ષના ચીકો આસાકાવા માત્ર ૧૪ વર્ષના હતા ત્યારથી એક ઍક્સિડન્ટમાં સંપૂર્ણપણે અંધ થઈ ગયા હતા. તેઓ હાલમાં ટોક્યોમાં આવેલા મિરાઇકન તરીકે જાણીતા નૅશનલ મ્યુઝિયમ ઑફ ઇમર્જિંગ સાયન્સ અને ઇનોવેશનના ડિરેક્ટર તથા કમ્પ્યુટર સાયન્ટિસ્ટ છે. અજાણ્યાં અને ભીડભાડવાળાં સ્થળોએ પડતી મુશ્કેલી દૃષ્ટિહીન લોકોને ન પડે એ માટે પોતાના અનુભવના આધારે ૨૦૧૭માં એક સ્માર્ટ સૂટકેસનો વિચાર કર્યો છે, જે બિલ્ડ-ઇન-સેન્સર્સ અને કૅમેરાની મદદથી એના વપરાશકર્તાઓને માર્ગદર્શન આપી શકે.
આ પણ વાંચો: સોલર-પાવરથી ચાલતી આ કારને ક્યારેય ચાર્જ કરવાની જરૂર નથી પડતી
૬ વર્ષ બાદ આ સૂટકેસ કમર્શિયલ લૉન્ચ માટે તૈયાર છે. મહિલા સાયન્ટિસ્ટે કરેલી આ શોધ એક ઇન્ટરવ્યુ દરમ્યાન આંતરરાષ્ટ્રીય ન્યુઝ બની હતી. તેણે કહ્યું હતું કે મારી જાતે બહાર જવું એક સપનું હતું, જેમાં આ સૂટકેસ મને સહાય કરે છે. એક વખત આ સૂટકેસનો વપરાશકર્તા પોતે ક્યાં જવું એ લખે ત્યાર બાદ સ્માર્ટ સૂટકેસ સમગ્ર માર્ગની યોજના બનાવે છે, જે જીપીએસ સિસ્ટમ પર આધારિત છે. વળી એ આસપાસની સ્થિતિની સમીક્ષા પણ કરે છે. સ્માર્ટ સૂટકેસના મોટાં અને મજબૂત પૈડાં બહારના ખરાબ રસ્તાઓમાં પણ સરળતાથી જઈ શકે છે. છઠ્ઠી ફેબ્રુઆરી સુધી કોઈ પણ દૃષ્ટિહીન વ્યક્તિ આ સૂટકેસની ચકાસણી કરી શકે છે. નજીકના ભવિષ્યમાં આ સૂટકેસ ઍરપોર્ટ, શૉપિંગ સેન્ટર અને રેલવે સ્ટેશનો પર ભાડે આપવામાં આવશે.