10 February, 2024 02:00 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
બ્લૅક ડ્રમ ફિશ
ફ્લૉરિડાના ટેમ્પા બેના રહેવાસીઓ રહસ્યમય અવાજ બાબતે ફરિયાદ કરી રહ્યા હતા, એથી રાતે તેમની દીવાલ ધ્રૂજતી હતી અને બાળકો જાગતાં હતાં. ‘ન્યુ યૉર્ક પોસ્ટ’ના એક રિપોર્ટ અનુસાર આ રહસ્યમય અવાજે અનેક અટકળોને વેગ આપ્યો હતો. ઘણા લોકોએ માન્યું કે એલિયન સ્ક્વૉડ્રનને કારણે આ અવાજ થાય છે. જોકે એક સાયન્ટિસ્ટના જણાવ્યા અનુસાર બ્લૅક ડ્રમ ફિશ આ ઘોંઘાટ માટે જવાબદાર છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું હતું કે બ્લૅક ડ્રમ ફિશના સંવનનને કારણે ઘોંઘાટ થાય છે. એક ફિશ એકોસ્ટિક એક્સપર્ટે જણાવ્યું કે શિયાળામાં સંવનનની મોસમ દરમ્યાન બ્લૅક ડ્રમ ફિશનો ઘોંઘાટ ૧૬૫ વૉટર ડેસિબલ સુધી પહોંચી શકે. પોતાની થિયરીને સાચી પુરવાર કરવા ફિશ એકોસ્ટિક એક્સપર્ટે વિસ્તારમાં મરીન માઇક્રોફોન ગોઠવ્યાં હતાં.