01 February, 2023 11:59 AM IST | Boston | Gujarati Mid-day Correspondent
બે મોઢાંવાળું કીડીખાઉ
સામાન્ય રીતે આપણે બે મોઢાંવાળા સાપનો વિડિયો જોયો છે, પરંતુ તાજેતરમાં બે મોઢાંવાળા કિડીખાઉ પ્રાણીના વિડિયોએ સોશ્યલ મીડિયામાં બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. વિડિયોની શરૂઆતમાં કીડીખાઉ એક જૂના લાકડાના ટુકડામાંથી કીડી ખાતું હોય છે. એ દરમ્યાન અન્ય એક સફેદ રૂંવાટીવાળું માથું બહાર આવે છે અને એ પણ એની બાજુમાં કીડી ખાય છે. આવું દૃશ્ય જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. આ કોઈ બે મોઢાંવાળુ કીડીખાઉ પ્રાણી નથી, પરંતુ એક માતા છે અને બીજું એનું સંતાન છે. સંતાન માતાના શરીરમાં એ રીતે છુપાઈ જાય છે કે અન્ય શિકારી પ્રાણીઓથી એ બચી શકે. કીડીખાઉના પંજા બહુ તીક્ષ્ણ હોય છે જે રાફડાને તોડે છે, કારણ કે આ પ્રાણીને કોઈ દાંત નથી હોતા. આ કીડીખાઉની વિશાળ પ્રજાતિ છે, જે સાઉથ અને સેન્ટ્રલ અમેરિકામાં જોવા મળે છે. નાકની ટોચથી પૂંછડીના છેડા સુધી આઠ ફુટ લાંબું છે અને બ્રાઉન રંગના ફરથી ઢંકાયેલું છે. જંગલ ઘટતાં જતાં આ પ્રાણીઓની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે. જંતુઓ ખાવા માટે એ ચીકણી લાળ અને લાંબી જીભનો ઉપયોગ કરે છે. વળી ફરી કીડીઓ અહીં આવશે એવી આશામાં તે રાફડાનો સંપૂર્ણપણે નાશ કરતું નથી.