04 September, 2019 03:30 PM IST | બિજનૌર
પ્રતીકાત્મક તસવીર
રસ્તા પર રખડતા પશુઓનો ત્રાસ તો તમે ભોગવતા જ હશો. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે જો આ પશુઓ તમારા ઘરમાં ઘૂસી જાય તો શું ? આવો જ એક કિસ્સો મેરઠમાં સામે આવ્યો છે. બિઝનોર જિલ્લાના બસંતપુર ગામમાં એક ભેંસ ઘરના ધાબા પર ચડી ગઈ. જી હાં, પહેલીવાર વાંચશો તો માનવામાં ન આવે તેવી વાત છે. પણ છે હકીકત. એક ખેડૂતની ભેંસ તેના ઘરના ધાબે ચડી ગઈ. જેના કારણે ખેડૂતના પરિવાર અને આખા મહોલ્લામાં અફડાતફરી મચી ગઈ.
ભેંસ ધાબે કેવી રીતે ચડી એ તો જાણી ન શકાયું. પણ ભેંસને નીચે લાવવામાં લોકોને નવ નેજા પાણી આવી ગયા. ભેંસને નીચે ઉતારવા માટે આખું ગામ ભેગું થયું. લગભગ કલાકોની મહેનત બાદ ધાબે ચડેલી ભેંસને દોરડા બાંધીને લટકાવીને નીચે ઉતારવામાં આવી.
મળતી માહિતી પ્રમાણે સુભાષના ઘરના આંગણે ભેંસ બાંધેલી હતી. અચાનક જ તેનું દોરડુ ખૂલી ગયું અને તે ધાબે ચડી ગઈ. ઘરના લોકોએ ભેંસને ધાબા પર જોઈને તેને નીચે લાવવાના પ્રયત્ન કર્યા. પરંતુ ભેંસ નીચે ઉતારવામાં સફળતા ન મળી. ભેંસને સીડ દ્વારા નીચે લાવવાના પ્રયત્ન થયા, પણ ભેંસ ન ઉતરી. કલાકો સુધી ગામના લોકોએ પ્રયાસ કર્યા, પણ ભેંસ જેનું નામ. એ તો હટે જ નહીં.
આ પણ વાંચોઃ ત્રણ વર્ષથી આ ભાઈ ઘરની બહાર નીકળે કે તરત કાગડા હુમલો કરે છે
કલાકો સુધી મહેનત કર્યા બાદ આખરે ભેંસને દોરડા વડે બાંધવામાં આવી અને ધાબા પરથી લટકાવીને નીચે ઉતારી. ગામના કેટલાક ઘરના સંખ્યાબંધ દોરડા આ માટે ભેગા કરાયા. મોટી સંખ્યામાં લોકો ધાબે ચડ્યા. ભેંસને માંડ માંડ બાંધી અને 10 લોકોએ ભેંસને નીચે લટકાવી.