04 September, 2024 05:21 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બિહારમાં પોલીસતંત્ર અતિશય ખાડે ગયું છે એનો આ જીવતોજાગતો નહીં પણ કોતરી નાખેલો પુરાવો છે. રાજ્યના ૧૮ જિલ્લા ભાગલપુર, નવગછિયા પોલીસ જિલ્લો, બાંકા, મુંગેર, પૂર્ણિયા, અરરિયા, કટિહાર, કિશનગંજ, સહરસા, મધેપુરા, સુપૌલ, બેગુસરાય, ખગડિયા, જમુઈ, લખીસરાય, મધુબની, દરભંગા અને સમસ્તીપુરનાં ૯૬ પોલીસ-સ્ટેશનામાં ઉંદરોએ ફાઇલો કોતરી ખાધી છે. પોલીસના પટ્ટા ઢીલા કરવામાં માત્ર ઉંદરો જ નહીં, પૂરની સ્થિતિ પણ જવાબદાર છે કારણ કે અનેક પોલીસ-સ્ટેશનોનાં મકાનો જર્જરિત છે એટલે ફાઇલો રાખવા માટે પણ કોઈ ઢંગની વ્યવસ્થા નથી. તાજેતરમાં જ ફાઇલ શોધી રહેલી એક મહિલા પોલીસ-કર્મચારીને સાપે ડંખ મારી દીધો હતો. પૂર્ણિયાના DIG વિકાસકુમારે સ્વીકાર્યું પણ ખરું કે પોલીસભવનોની સ્થિતિ સારી ન હોવાથી ઉંદરો ફાઇલો કાતરી ખાય છે અને થોડીઘણી ફાઇલો પૂરમાં નકામી થઈ ગઈ છે.