13 November, 2024 01:45 PM IST | Patna | Gujarati Mid-day Correspondent
આર. આર. શિક્ષા નિકેતન નામની સ્કૂલ ચલાવતાં ગૌરી ત્રિપાઠી બાળકોને લેવા-મૂકવા પણ જાય છે
કેટલાક શિક્ષકો બાળકોને ભણાવવા સિવાય ઘડતર કરવા અને સંપૂર્ણ કાળજી રાખવા માટે ટેવાયેલા હોય છે. બિહારના ભોજપુર જિલ્લાનાં શિક્ષિકા ગૌરી ત્રિપાઠી આવાં જ ટીચર છે. કસાપ ગામમાં ૨૦૧૬થી આર. આર. શિક્ષા નિકેતન નામની સ્કૂલ ચલાવતાં ગૌરી ત્રિપાઠી બાળકોને લેવા-મૂકવા પણ જાય છે. દૂર-દૂરથી આવતાં ગરીબ અને વંચિત બાળકોને લેવા-મૂકવા માટે સ્કૂલ-વૅન રાખી છે. એક ડ્રાઇવર પણ રાખ્યો હતો, પણ એક દિવસ તેણે દારૂ પીને વૅન ચલાવી અને વૅન લાઇટના થાંભલા સાથે અથડાઈ ગઈ. વૅનને નુકસાન થયું, પણ સદ્નસીબે બાળકોને વાગ્યું નહીં. એ દિવસે ગૌરીએ જાતે જ ડ્રાઇવિંગ કરવાનો નિર્ણય લીધો અને પોતે જ બાળકોને ઘરેથી લઈ જાય છે અને ભણાવીને પાછાં મૂકી જાય છે. એ તો ઠીક, રસ્તામાં કોઈને જરૂર હોય તો તેમને પણ બેસાડી લે છે. ગૌરીને વૅન ચલાવતાં જોઈને શરૂઆતમાં લોકો મોઢામાં આંગળાં નાખી જતાં, પણ હવે તેમના સંકલ્પને વંદન કરે છે.