24 December, 2024 04:33 PM IST | Patna | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બિહારના નાલંદા જિલ્લાનો એક ગજબ કિસ્સો સામે આવ્યો છે. જે પત્નીની હત્યાના આરોપમાં યુવાને જેલ જવું પડ્યું તે જીવતી નીકળી એટલું જ નહીં, તેણે બીજાં લગ્ન પણ કરી લીધાં અને તેને પાંચ વર્ષની દીકરી પણ છે.
૨૦૧૫માં કુંદન કુમાર અને સુધા કુમારીએ લવ-મૅરેજ કર્યાં હતાં, પણ લગ્નના એક વર્ષ પછી સુધા અચાનક ગાયબ થઈ ગઈ. સુધા લાપતા થઈ ગઈ એને પગલે તેના પિતાએ દહેજ માટે તેમની દીકરીને તેનાં પતિ, સાસુ, સસરાએ મારીને મૃતદેહને ગાયબ કરી દીધો છે એવો આરોપ લગાવ્યો. પરિણામે પતિને જેલ થઈ ગઈ.
હકીકતમાં બન્યું હતું એવું કે સુધા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને બન્નેએ લગ્ન પણ કરી લીધાં હતાં. પોલીસને ક્યાંકથી ખબર પડી કે સુધા બાજુના ગામમાં આવી છે એને પગલે તે સુધા પાસે પહોંચી ગઈ અને એમાં તેનાં બીજા લગ્નની ખબર પડી. જ્યારે સુધાને કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું કે હું બીજા પતિ સાથે જ રહેવા માગું છું. નાલંદા જિલ્લામાં અત્યારે ચર્ચા એ વાતની છે કે પોલીસે એવી કેવી તપાસ કરી કે એક નિર્દોષ માણસને તેની પત્નીની હત્યાના કેસમાં જેલભેગો કરી દીધો.