નો હૉર્ન પ્લીઝ: બિહારના આ ભાઈ છેલ્લાં પાંચ વર્ષથી હૉર્ન વગાડ્યા વગર ડ્રાઇવિંગ કરી રહ્યા છે

30 June, 2024 12:31 PM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

એક કલાક સુધી ચારે બાજુ હૉર્નના મોટા અને કર્કશ અવાજ સાંભળીને તેમણે ક્યારેય હૉર્નનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો હતો.

ગૌતમ પાંડે

આજે લોકો રસ્તા પર વગર કારણે હૉર્ન વગાડતા હોય એ દૃશ્ય સામાન્ય થઈ ગયું છે. બિહારના પૂર્ણિયા જિલ્લાના રામબાગમાં રહેતા ગૌતમ પાંડે આમાં અપવાદ છે. વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પણ તેમણે છેલ્લાં પાંચ વર્ષમાં એક પણ વખત હૉર્ન નથી વગાડ્યું. ગૌતમભાઈ ૨૦૧૯થી જ હૉર્નનો ઉપયોગ કર્યા વગર ડ્રાઇવ કરી રહ્યા છે અને લોકોને પણ ‘નો હૉર્ન પ્લીઝ’નું મહત્ત્વ સમજાવી રહ્યા છે. યુનાઇટેડ નેશન્સમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવનારા અને હાલ નિવૃત્ત ગૌતમ પાંડેને હૉર્ન માર્યા વગર ટ્રાવેલ કરવાનું ગમે છે. તેમણે હૉર્ન-ફ્રી ડ્રાઇવિંગનો નિર્ણય ૨૦૧૮માં લીધો હતો જ્યારે તેઓ બસ-સ્ટૅન્ડ પર ઊભા હતા. એક કલાક સુધી ચારે બાજુ હૉર્નના મોટા અને કર્કશ અવાજ સાંભળીને તેમણે ક્યારેય હૉર્નનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો હતો. હવે આ વસ્તુ તેમની લાઇફસ્ટાઇલનો એક ભાગ બની ગઈ છે.

ગૌતમ પાંડેનું કહેવું છે કે લોકોએ ડ્રાઇવિંગ કરતી વખતે કેટલીક આદતો બદલવાની જરૂર છે. મનુષ્યને કંઈ પણ સાંભળવા માટે ઓછામાં ઓછા ૫૦ ડેસિબલના અવાજની જરૂર હોય છે. હૉન્કિંગથી આ લિમિટ વધી જાય છે અને ધ્વનિ પ્રદૂષણ પેદા થાય છે. એ ઘણી વાર સાંભળવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે અને મેન્ટલ હેલ્થ માટે પણ નુકસાનકારક છે. ખાસ કરીને પ્રેગ્નન્ટ મહિલાઓ અને નવજાત બાળકોને આનું વધુ જોખમ રહે છે. જો આપણે બિનજરૂરી હૉર્ન વગાડવાનું બંધ કરી દઈશું તો ધ્વનિ પ્રદૂષણને અમુક અંશે ઘટાડી શકાશે.

offbeat news bihar patna national news