30 January, 2024 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મંદિરની તસવીર
જ્યાં મંદિરો અને ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે ત્યાં ભિક્ષાવૃત્તિ બહુ ફૂલીફાલી છે. સોશ્યલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટ મંત્રાલય દ્વારા ૨૦૨૬ સુધી ભિક્ષાવૃત્તિના હૉટસ્પૉટ ગણાતાં ૨૦ શહેરોમાંથી ભિક્ષા નાબૂદ કરવાનું બીડું ઝડપાયું છે. હવે આપણા દેશનાં કેટલાંક શહેરોમાં બેગર્સ એટલે કે ભિક્ષુકોને ગાયબ રી દેવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ધાર્મિક, ઐતિહાસિક અને પ્રવાસન દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ ૩૦ શહેરોની ઓળખ કરી છે. આ જગ્યાએ ભીખ માગવામાં રોકાયેલા લોકોના અને એમાં પણ ખાસ કરીને મહિલાઓ અને બાળકોનું સર્વેક્ષણ કરીને પુનર્વસન કરવાની જરૂર હોય. આ સ્થાનોને ભિખારીથી મુક્ત કરવામાં જિલ્લા અને મ્યુનિસિપલ સત્તાવાળાઓને મદદ કરવાનો છે.
‘ભિક્ષાવૃત્તિ મુક્ત ભારત’ના ધ્યેયને પૂર્ણ કરવા માટે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ફેબ્રુઆરીના મધ્ય સુધી એક રાષ્ટ્રીય પૉર્ટલ અને એક મોબાઇલ ઍપ્લિકેશન લૉન્ચ કરવામાં આવશે. આ ઍપ પર ભીખ માગવામાં સંડોવાયેલા લોકોને ઓળખવામાં આવશે અને અપડેટ કરવામાં આવશે.સર્વેક્ષણ અને પુનર્વસનના અમલીકરણ માટે પસંદ કરેલાં શહેરોમાં અધિકારીઓએ મોબાઇલ ઍપ્લિકેશન અને પૉર્ટલ પર આશ્રય, કૌશલ્ય, શિક્ષણ અને પુનર્વસન પૂરાં પાડવા વિશેના પ્રગતિ રિપોર્ટ પણ અપડેટ કરવાના રહેશે. અધિકારીઓએ જણાવ્યા અનુસાર પ્રગતિ હેઠળના સર્વે સમાન પૅટર્નને અનુસરી રહ્યા છે. બધા ભિખારીઓને પૂછવામાં આવશે કે શું તેઓ ભીખ માગવાનું છોડી દેવા માગે છે અને એને બદલે તેઓ આજીવિકા માટે શું કરવા માગે છે.
મહત્ત્વનાં ૧૦ ધાર્મિક સ્થળો જ્યાં ભિખારીઓના પુનર્વસન પર ધ્યાન આપવામાં આવશે એમાં અયોધ્યા, ઓમકારેશ્વર, કાંગડા, સોમનાથ, ઉજ્જૈન, બોધગયા, ત્ર્યંબકેશ્વર, પાવાગઢ, મુદૈર અને ગુવાહાટીનો સમાવેશ છે. માર્ગદર્શિકા મુજબ સંબંધિત ધાર્મિક ટ્રસ્ટ અથવા શ્રાઇન બોર્ડ પણ આ સ્થળોએ ભીખ માગતા જોવા મળતા લોકોના પુનર્વસનમાં સામેલ થશે.વધુમાં પ્રવાસન સ્થળોમાં જેસલમેર, તિરુવનંતપુરમ, વિજયવાડા, કુશીનગર, સાંચી, કેવડિયા, શ્રીનગર, નમસાઈ, ખજૂરાહો અને પૉન્ડિચેરીનો સમાવેશ થાય છે. જ્યારે વારંગલ, કોઝિકોડ, અમ્રિતસર, ઉદયપુર, કટક, ઇન્દોર, મૈસૂર, પંચકુલા, શિમલા, તેજપુર ઐતિહાસિક શહેરોની યાદીમાં છે. આ ૩૦ શહેરોમાંથી ૨૫ શહેરો દ્વારા ઍક્શન પ્લાન પણ અપાયા છે; જ્યારે કાંગડા, કટક, ઉદયપુર અને કુશીનગરની રાહ જોવાઈ રહી છે. એ દરમ્યાન કોઝિકોડ, વિજયવાડા, મદુરાઈ અને મૈસૂરે ઑલરેડી તેમનો સર્વે પૂર્ણ કરી લીધો છે.