26 November, 2024 03:17 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
એક યુવાન બૅન્ગલોરના રસ્તા પર ભીખ માગતો ફરે છે
પ્રકૃતિ અને કુદરત ક્યારે પડખું ફેરવે એ કોઈ જાણતું નથી પણ એ પડખું ફેરવે પછી માણસની કેવી દશા થાય છે એ જોઈને રૂંવાડાં ખડાં થઈ જાય છે. મરૂન રંગનું ટી-શર્ટ અને જીન્સ પહેરેલો, વધેલી દાઢી અને અસ્તવ્યસ્ત વાળવાળો એક યુવાન બૅન્ગલોરના રસ્તા પર ભીખ માગતો ફરે છે. જોકે તેને જોયા પછી અને તેને કડકડાટ અંગ્રેજીમાં વાતો કરતો સાંભળ્યા પછી તે ભિખારી હશે એ માનવું ત્યાંના લોકોને અઘરું થઈ પડે છે. સાચે જ એ યુવાન ભિખારી નથી પરંતુ જીવનમાં આવેલા વળાંકે તેને ભિક્ષુકવૃત્તિ કરતો કરી મૂક્યો છે. એ યુવાન એન્જિનિયર છે, એક સમયે જર્મનીના ફ્રૅન્કફર્ટમાં નોકરી કરતો હતો. બૅન્ગલોરમાં મૈસૂર રોડ પર આવેલા ગ્લોબલ વિલેજ ટેક પાર્ક એટલે કે સત્ત્વ ગ્લોબલ સિટીમાં આવેલી માઇન્ડટ્રી નામની કંપનીમાં ટેક્નિકલ ઍડ્વાઇઝરની નોકરી કરતો હતો. ‘મજ્જાની લાઇફ’ હતી. જીવનમાં બધું જ ગુલાબી-ગુલાબી હતું ત્યારે જ તેણે માતા-પિતા ગુમાવ્યાં. પ્રેમિકા પણ છોડીને જતી રહી. આ યુવાન હતાશા, દુઃખ અને નિરાશામાં સરી પડ્યો. દારૂનો વ્યસની બની ગયો. સતત દારૂ પીતો હતો એટલે નોકરી પણ ગુમાવવી પડી અને અત્યારે બૅન્ગલોરમાં ભીખ માગીને દિવસો ટૂંકા કરે છે. એક કન્ટેન્ટ ક્રીએટરે આ માણસ સાથે વાત કરીને તેનો વિડિયો બનાવ્યો છે. વિડિયોમાં તેણે જ આપવીતી કહી હતી.