18 April, 2023 11:45 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
સુરતમાં મળ્યો હીરાની અંદર હીરો
ભારતમાં એક વિચિત્ર પ્રકારનો હીરો મળી આવ્યો હતો. ૦.૩૨૯ કૅરૅટના આ હીરાને બીટિંગ હાર્ટ નામ આપવામાં આવ્યું હતું, કારણ કે આ હીરાની અંદર હીરાનો એક નાનકડો ટુકડો હતો. ઑક્ટોબર ૨૦૨૨માં વી. ડી. ગ્લોબલ કંપની દ્વારા આ હીરાની શોધ કરવામાં આવી હતી. કંપનીના ચૅરમૅન વલ્લભ વઘાસિયાએ કહ્યું કે સુરતમાં અમે જ્યારે રફ હીરાની ચકાસણી કરી રહ્યા હતા ત્યારે આ દુર્લભ હીરાનો ટુકડો અમને મળ્યો હતો અને એની અંદર ઑર એક હીરો ફસાયેલો હતો. નવાઈની વાત એ હતી કે હીરો પાછો આરામથી અંદર ફરતો હતો. આ હીરાને વધુ ચકાસણી માટે ઇંગ્લૅન્ડના મેઇડનહેડની ડી બિયર્સ ઇન્સ્ટિટયૂટ ઑફ ડાયમન્ડમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં ઑપ્ટિકલ અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના ઉપયોગથી એની સચ્ચાઈની ચકાસણી કરવામાં આવી હતી. ડી બિયર્સ ગ્રુપ ઇગ્નાઇટના ટેક્નિકલ એજ્યુકેટર સમન્થા સિબલીએ કહ્યું કે મારા ડાયમન્ડ સેક્ટરની ૩૦ વર્ષની કારકિર્દી દરમ્યાન મેં બીટિંગ હાર્ટ જેવું કંઈ જોયું નથી. આ હીરો હવે દુર્લભ સંગ્રહનો એક ભાગ છે, જેમાં મેટ્રિયોષ્કાનો પણ સમાવેશ થાય છે. અગાઉ ૨૦૧૯માં રશિયાના સાઇબીરિયાની ખાણમાં આવું અદ્ભુત રત્ન મળી આવ્યું હતું. આ રત્ન અંદાજે ૮૦ કરોડ વર્ષ પહેલાં બન્યું હોવું જોઈએ.