18 March, 2025 06:41 PM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રેબ (સૌજન્ય: મિડ-ડે)
બંગલાદેશના મેહરપુર ગામની એક ઘટના સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. રાતના સમયે એક વાંદરો મેડિકલ સ્ટોરમાં ઘૂસી ગયો અને કાઉન્ટર પર જઈને બેસી ગયો. વાંદરાને વાગેલું છે અને ઘાની સામે જોઈને એ સ્ટોરમાંથી ખસવા તૈયાર નહોતો. જાણે પોતાના ઘાવની દવા કરવા માટે મદદ માગતો હોય એવાં એનાં એક્સ્પ્રેશન્સ જોઈને એક માણસ ઊઠીને એના ઘા પર મલમ લગાવે છે અને પટ્ટી પણ બાંધે છે. આ મલમપટ્ટી થઈ રહી છે ત્યારે બીજા પણ કેટલાક લોકો વાંદરાના માથે હાથ પસવારે છે. એ પછી વાંદરો જતો રહ્યો કે ત્યાં જ રહી ગયો એ વિડિયોમાં ખબર નથી પડતી, પરંતુ જે કરુણાભાવથી વાંદરાની ટ્રીટમેન્ટ કરવામાં આવી એ જોઈને સોશ્યલ મીડિયા પર પ્રાણીપ્રેમીઓ ખુશ થઈ ગયા હતા. હૃદયને સ્પર્શી જાય એવી આ ઘટના જોઈને કેટલાક લોકોએ દુકાનદાર અને મલમપટ્ટી કરનારાની ખૂબ સરાહના કરી તો કેટલાકે લખ્યું કે જો કોઈ માણસ આવી મદદ માગત તો તેને હડસેલી દેવામાં આવત. જ્યારે બીજા એકે કમેન્ટ કરેલી કે વાંદરાનો ઇન્ટેલિજન્સ ક્વૉશન્ટ સરકાર કરતાં પણ સારો છે.