25 May, 2024 02:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાગેશ્વરધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
બાગેશ્વરધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજકાલ દુબઈમાં છે. ત્યાં બાવીસમી તારીખે તેમનો દરબાર ભરાયો હતો અને ૨૬ મે સુધી આ દરબાર ચાલશે. આ દરમ્યાન બાગેશ્વર બાબા જાણે દુબઈના પ્રેમમાં પડી ગયા હોય એવાં નિવેદનો કરી રહ્યા છે અને સોશ્યલ મીડિયા પર યુનાઇટેડ આરબ અમીરાતનાં જબરજસ્ત વખાણ કરી રહ્યા છે. અબ્દુલ્લા ગ્રુપના ચૅરમૅન ડૉ. બીયુ અબ્દુલ્લાએ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને એ વખતે ભારતમાં જેમ ભક્તોની ભીડ લાગે છે એવી જ ભીડ દુબઈમાં પણ જમા થઈ હતી. અબ્દુલા ગ્રુપના ચૅરમૅન પણ બાબા પર ઓળઘોળ હોય એમ સોશ્યલ મીડિયામાં પોસ્ટ લખી હતી કે ‘ગુરુજી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દુબઈ આવ્યા એ અમારા માટે વિશેષ અવસર છે. આ અવસરને ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો અને આધ્યાત્મિક એકતાના ઉત્સવ તરીકે જોવો જોઈએ.’
બીજી તરફ બાબા પણ દુબઈની સુંદરતાનાં ભરપૂર વખાણ કરતાં કહે છે, ‘હું દુબઈ પહેલી વાર આવ્યો છું, આ જગ્યા ખૂબ અદ્ભુત છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય અપ્રતિમ છે. અહીંના લોકો બહુ વિનમ્ર છે. આખા વિશ્વમાં સૌથી સુરક્ષિત દેશ દુબઈ છે.’