11 January, 2024 11:16 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
જય સોનીએ કરેલાં ટૅટૂઝ, નાગપુરનો રિતિક દરોડે.
૨૨ જાન્યુઆરીએ અયોધ્યાના રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમમાં સૌ ભાગ લેવા માગે છે, પરંતુ બધા ત્યાં જઈ શકે એમ નથી. એવામાં રામભક્તો ભગવાન રામ પ્રત્યેની તેમની ભક્તિ દર્શાવવા પોતાની રીતે વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડી રહ્યા છે. નાગપુરથી આવા જ એક રામભક્ત વિશે જાણવા મળ્યું છે જે એક ટૅટૂ આર્ટિસ્ટ છે અને તેણે લોકોના હાથ પર મફતમાં ટૅટૂ બનાવવાનું નક્કી કર્યું છે.
રિતિક દરોડે નાગપુરમાં ટૅટૂ આર્ટિસ્ટ છે. તે છેલ્લાં ઘણાં વર્ષોથી ટૅટૂ બનાવે છે. ૨૨ જાન્યુઆરીના રોજ પ્રાણપ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ વચ્ચે રિતિક રામભક્તોના હાથ પર શ્રી રામ, પ્રભુ રામ, જય શ્રી રામનાં ટૅટૂ બનાવી રહ્યા છે. આવાં ટૅટૂ કાયમી હોય છે જે ક્યારેય ઝાંખાં પડતાં નથી. ટૅટૂ આર્ટિસ્ટ રિતિકે ૧૦૦૧ લોકોના હાથ પર મફતમાં ટૅટૂ બનાવવાનું નક્કી કર્યું છે. આ માટે મોટી સંખ્યામાં લોકો રજિસ્ટ્રેશન કરાવવા આવી રહ્યા છે. રિતિકે અત્યાર સુધીમાં લગભગ ૨૫૦ લોકોના હાથમાં ટૅટૂ બનાવી દીધું છે. રિતિક આ અંગેનું કારણ જણાવે છે કે ટૅટૂ બનાવવું એ તેનું કામ છે અને લોકો આ દિવસોમાં ભગવાન રામની ઘણી ભક્તિ કરી રહ્યા છે. તે લોકોના હાથ પર રામનામનું ટૅટૂ કરાવવાને રામલલ્લાની એક પ્રકારની સેવા માની રહ્યો છે.
ગુજરાતના નવસારી શહેરમાં ટૅટૂ આર્ટિસ્ટ જય સોની પણ ભક્તોને શ્રી રામ નામનાં ટૅટૂ મફતમાં કરાવી રહ્યો છે. જય સોનીએ ઑલરેડી ૨૦૦ વ્યક્તિના હાથ પર ટૅટૂ કરાવી આપ્યું છે અને તેનું પણ ૨૨ જાન્યુઆરી સુધીમાં ૧૦૦૧ લોકોને ટૅટૂ કરાવી આપવાનું લક્ષ્ય છે. જય સોનીએ ડિસેમ્બરમાં આ મિશનની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીમાં ટૅટૂ માટેની ૭૦૦થી વધુ અરજીઓ મળી છે. આ ટૅટૂ આર્ટિસ્ટ ૬૭ કલાક સુધી નૉનસ્ટૉપ ટૅટૂ કરાવવા માટે ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સ પોતાનું નામ ધરાવે છે.