17 January, 2024 11:12 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
રામ મંદિર
૧૯૯૦ના દસકાની શરૂઆતમાં અભૂતપૂર્વ રામમંદિર આંદોલન થયું હતું. એ દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં ઘણા કારસેવકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે હાલમાં આવા શહીદોને કૅન્વસ પર યાદ કરવામાં આવી રહ્યા છે. લખનઉના કલાકાર ઑઇલ પેઇન્ટિંગથી આ શહાદતને ફરી જીવંત કરી રહ્યા છે. તેમનું કામ છેલ્લા તબક્કામાં છે.વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા શરદ શર્માનું કહેવું છે કે ‘શ્રીરામ મંદિર ટ્રસ્ટ આ પેઇન્ટિંગ્સને રામલલ્લાના પ્રાંગણમાં સ્થાપિત કરવાની વિચારણા કરી રહ્યું છે. જોકે એના પર અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.’
જે લોકો ૧૯૪૯થી ૧૯૯૦ અથવા ત્યાર બાદ રામમંદિર માટેની લડાઈમાં મુત્યુ પામ્યા છે એ બધાનાં પેઇન્ટિંગ્સ રામમંદિર પરિસરમાં લગાવવાનો વિચાર છે. તમને ખ્યાલ હશે કે રામમંદિર આંદોલન દરમ્યાન અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળથી આશરે બે કિલોમીટર દૂર એક સ્થળે સ્વયંસેવકોએ ધરપકડ અને પોલીસના ગોળીબારથી બચવા માટે આશરો લીધો હતો. આજે આ સ્થળ કારસેવકપુરમ તરીકે ઓળખાય છે. આ પરિસરમાં વિશ્વ હિન્દુ પરિષદની ઑફિસ, ગેસ્ટહાઉસ, સ્કૂલ, ગૌશાળા અને સીતા રસોઈ નામના ડાઇનિંગ હૉલ છે.
રેતીના કણ-કણમાં રામ
શ્રીરામ જન્મભૂમિ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે અયોધ્યાના લતા મંગેશકર ચોકમાં સૅન્ડ-આર્ટિસ્ટ રૂપેશ સિંહે ભગવાન શ્રીરામનું રેતશિલ્પ તૈયાર કર્યું છે. અનેક લોકો આ રેતીમાં કંડારાયેલા રામને પ્રણામ કરીને તેમની સાથે સેલ્ફી લઈ રહ્યા છે.
અપને ઘર મેં હી રામ
ચોતરફ અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠાનો ઉત્સાહ છવાયેલો છે ત્યારે નાગપુરના પ્રફુલ માટેગાવકર નામના સિવિલ એન્જિનિયરે પોતાના ઘરના વરંડામાં જ ૧૧ ફુટની રામમંદિરની રેપ્લિકા તૈયાર કરી દીધી છે, ‘મન મેં ભી રામ, ઘર મેં ભી રામ!’
ભેટ મળશે રામમંદિરની માટી
બાવીસમી જાન્યુઆરીએ રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે આવનારા તમામ મહેમાનોને ભેટ તરીકે રામમંદિરની માટી મળશે એવું ગઈ કાલે ઉત્તર પ્રદેશ સરકારે જાહેર કર્યું હતું. મંદિરનો પાયો નખાયો ત્યારે જે માટી ખોદી કાઢવામાં આવી હતી એ જ આ ભેટમાં સામેલ હશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક સભ્યનું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને જૂટ બૅગમાં માટી ભરીને આપવામાં આવશે. દેશી ઘીમાં બનેલા મોતીચૂરના લાડુના પ્રસાદ સાથે આ માટી નાના બૉક્સમાં ભેટ આપવામાં આવશે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં દેશભરમાંથી લગભગ ૧૧,૦૦૦ મહેમાનો હાજર રહેશે.
પૂજા માટે ચાંદીની સામગ્રી
દેશના ચારેખૂણેથી રામ મંદિર માટે ભક્તો ખાસ ચીજો અયોધ્યામાં ભેટ તરીકે મોકલાવી રહ્યા છે. ગઈ કાલે ચેન્નઈના એક જ્વેલરે ભગવાન રામની પૂજામાં વપરાનારી ચાંદીની ચીજોનો એક આખો સેટ મોકલવાની તૈયારી કરી હતી. આ આઇટમો રામલલ્લાની નિયમિત થનારી પૂજામાં વપરાશે.
૧૦૮ ફુટની અગરબત્તીની સુવાસ પ્રસરી
વડોદરાના ગોપાલકોએ ૬ મહિનાની મહેનતથી બનાવેલી યુનિક ૧૦૮ ફુટ લાંબી અગરબત્તીને ગઈ કાલે મહંત નૃત્ય ગોપાલદાસજીએ પ્રગટાવી હતી. આ ધૂપબત્તી દિવસો સુધી અયોધ્યામાં સુવાસ પ્રસરાવતી રહેશે.