આ મહિલા કૉસ્મેટિક સર્જરીની વ્યસની છે, બૉટોક્સ પાછળ બાવન લાખ રૂપિયા ખર્ચ્યા છતાં તે અટકવા નથી માગતી

01 July, 2024 01:11 PM IST  |  Vienna | Gujarati Mid-day Correspondent

આ યુવતી ટીનેજથી જ ડાર્ક મેકઅપની શોખીન હતી અને કોઈ આકર્ષક મૉડલ જેવી દેખાવા માગતી હતી.

ફેટિશ બાર્બી

યુવાન અને સુંદર દેખાવા માટે ઘણા લોકો કૉસ્મેટિક સર્જરી કરાવતા હોય છે. જોકે ફિલર્સ અને બૉટોક્સનો વધુ પડતો ઉપયોગ કરવાથી નુકસાન વેઠવાનો વારો પણ આવી શકે છે. યુરોપિયન દેશ ઑસ્ટ્રિયાની એક મહિલાને બૉટોક્સ અને ફિલર્સની એવી લત લાગી ગઈ છે કે તેણે અત્યાર સુધીમાં લગભગ બાવન લાખ રૂપિયા કૉસ્મેટિક સર્જરી પાછળ ખર્ચી નાખ્યા છે. ફેટિશ બાર્બી નામથી ફેમસ આ યુવતીએ કબૂલ્યું છે કે બૉટોક્સના વધુ પડતા ઉપયોગથી તેના હોઠ અનેક ગણા ભરાવદાર અને ગાલ તીક્ષ્ણ થઈ ગયા છે, પણ તેને આ સર્જરીનું ૧૦૦ ટકા વ્યસન થઈ ગયું છે. તેના હોઠ સામાન્ય વ્યક્તિ કરતાં ત્રણ ગણા મોટા થઈ ગયા છે અને તે આનાથી પણ મોટા હોઠ મેળવવા માટે સર્જરી કરાવશે.

આ યુવતી ટીનેજથી જ ડાર્ક મેકઅપની શોખીન હતી અને કોઈ આકર્ષક મૉડલ જેવી દેખાવા માગતી હતી. ધીમે-ધીમે તેણે કરચલીથી છુટકારો મેળવવા આખા ચહેરા પર બૉટોક્સ કરાવ્યું હતું. આ ફેટિશ બાર્બીનું લક્ષ્ય પણ વિચિત્ર છે. તે સર્જરી ભલે કરાવે પણ કોઈ બીજા જેવી દેખાવા નથી માગતી અને વધારે પ્લાસ્ટિક લુક મેળવવા માગે છે. તેનું કહેવું છે કે તે ભલે ઢીંગલી જેવી દેખાય, પણ લોકોએ તેને એક વસ્તુ નહીં, વ્યક્તિ તરીકે સ્વીકારવી જોઈએ.

beauty tips offbeat news vienna austria