11 December, 2022 09:19 AM IST | Canberra | Gujarati Mid-day Correspondent
ઑસ્ટ્રેલિયન મહિલાએ સળંગ ૧૦૭ મૅરથૉન દોડીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો
ઑસ્ટ્રેલિયાની એર્ચના મરે-બાર્ટલેટે ઑસ્ટ્રેલિયાના કેપ યૉર્કથી મેલબર્ન સુધી દોડવાનું શરૂ કર્યું અને ૧૦૭ દિવસ પછી ૩ ડિસેમ્બરે એક મહિલા દ્વારા સતત સૌથી વધુ મૅરથૉન દોડવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. જોકે આટલેથી ન અટકતાં એર્ચના કુલ ૧૫૦ મૅરથૉન દોડીને લુપ્તપ્રાય પ્રાણીઓ માટે નાણાં એકઠાં કરવાની છે.
વાઇલ્ડરનેસ સોસાયટી સાથે મળીને કામ કરતી એર્ચના ઑસ્ટ્રેલિયાની લુપ્ત થવાની અણીએ આવેલી પ્રજાતિ પર ધ્યાન આપવાના સંદેશને ફેલાવવા માટે દરરોજ મેઇનલૅન્ડ ઑસ્ટ્રેલિયા (કેપ યૉર્ક)થી મેલબર્ન સુધી મૅરથૉન દોડે છે. આ મૅરથૉન દ્વારા ૬૨,૦૦૦ ડૉલર (લગભગ ૫૧ લાખ રૂપિયા) એકઠા કરવાનો તેનો ટાર્ગેટ છે. મતલબ કે ૧૦ ડૉલર (લગભગ ૮૨૪ રૂપિયા) માટે તે પ્રત્યેક કિલોમીટર દોડે છે.
મૅરથૉન દોડીને એકત્ર કરાયેલું ભંડોળ લુપ્ત થવાની અણીએ આવેલી પ્રજાતિ વિશે લોકોને શિક્ષિત કરવા, વાઇલ્ડરનેસ સોસાયટીના કામને સમર્થન આપવા તથા ઑસ્ટ્રેલિયાની પ્રકૃતિ વિશે જણાવતી દસ્તાવેજી ફિલ્મ બનાવવામાં ઉપયોગમાં લેવાશે.