ઑસ્ટ્રેલિયાની મહિલાએ પગથી છોડ્યું બાણ, બન્યો રેકૉર્ડ

19 January, 2023 07:55 AM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

શેનન જોન્સે પગ દ્વારા ૧૮.૨૭ મીટર દૂર તીર છોડ્યું હતું

શેનન જોન્સ

શેનન જોન્સ નામની ઑસ્ટ્રેલિયન મહિલાએ પોતાના શારીરિક કૌશલ્યથી તમામને ચોંકાવી દીધા છે. તેણે ગયા વર્ષે ૧૫ ઑગસ્ટના પોતાના પગથી તીરને ૧૮.૨૭ મીટર દૂર ફેંકીને નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. ગિનેસ રેકૉર્ડ બુકના જણાવ્યા પ્રમાણે તે ઘણા સમયથી પગથી તીરંદાજીની પ્રૅક્ટિસ કરી રહી હતી. અગાઉના રેકૉર્ડને તેણે ૬ મીટરથી પાછળ પાડી દીધો છે.

શેનન જોન્સે પગ દ્વારા ૧૮.૨૭ મીટર દૂર તીર છોડ્યું હતું. વિડિયોમાં જોન્સ ધીમે-ધીમે પોતાના પગનો ઉપયોગ કરીને લક્ષ્યાંક નક્કી કરે છે. પછી જાતને સંતુલિત કરીને તીર છોડે છે. વિડિયો કૅપ્શનમાં તેણે લખ્યું હતું કે ‘ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે મારી અરજીની ચકાસણી કરી છે તેથી હું કહી શકું છું કે હું વિશ્વની સૌથી સચોટ પગ વડે તીર ચલાવનાર તીરંદાજ છું.’ લોકોને આ વિડિયો ઘણો ગમ્યો છે. શેનનના રેકૉર્ડની પ્રશંસા કરતાં એક યુઝરે લખ્યું હતું કે કલ્પના કરો કે તમે મધ્યયુગીન સમયના યોદ્ધા છો. 

offbeat news international news guinness book of world records australia