13 December, 2022 11:41 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
આપણા દેશમાં લગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપતા હોય છે. દરમ્યાન કોઈકનું માન-સન્માન ન સચવાતાં નાના-મોટા વિવાદ થતા રહે છે. જોકે આ વિવાદ શારીરિક ઝઘડામાં ભાગ્યે જ પ્રવર્તે છે. યુપીના દેવરિયા જિલ્લામાં એક લગ્નમાં કંઈક વિચિત્ર કારણસર ઝઘડો શરૂ થયો હશે. વરમાળાની વિધિ બાદ કોણ પહેલાં ફોટો પાડશે એ મામલે દલીલ બાદ આ બધું શરૂ થયું. વર અને કન્યા પક્ષ વચ્ચે પહેલાં તો ઉગ્ર દલીલો ચાલી, જે બાદમાં લડાઈમાં પરિણમી હતી. આ સંપૂર્ણ ઘટના ૮ ડિસેમ્બરે બની હતી. વરરાજા રામપુર કારખાનાથી છેક માધવપુર ગામ સુધી જાન લઈને આવ્યા હતા. બધા બહુ ઉત્સાહમાં હતા, પરંતુ કોણ પહેલાં ફોટો પાડશે એ મામલે વિવાદ થયો હતો. વરરાજા તરફથી કેટલાક લોકોએ દારૂ પીધો હતો અને તેમણે ફોટો પાડવાના મામલે હઠ પકડી હતી. વરરાજાના કાકા મધ્યસ્થી કરવા ગયા તો મારામારીમાં તેઓ ગંભીર રીતે ઘવાયા.
આ પણ વાંચો : પિસ્તોલથી કેક કાપનાર સરપંચે જવું પડ્યું જેલમાં
આ લડાઈમાં વરરાજાની બહેન પણ ઘાયલ થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને બોલાવવી પડી હતી. ત્યાર બાદ ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાથી વરરાજા એટલો બધો નારાજ થઈ ગયો હતો કે તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જોકે પછીથી લોકોએ સમજાવતાં તે માની ગયો હતો.