એશિયાના સૌથી લાંબા માણસને ન નોકરી મળી, ન છોકરી

25 October, 2024 02:41 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ ૮ ફુટ બે ઇંચ લાંબા છે. એશિયાના સૌથી લાંબા માણસ તરીકે ૨૦૦૭માં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ અને લિમકા બુક ઑફ રેકૉર્ડ‍્સમાં તેમને સ્થાન મળ્યું છે.

ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ ૮ ફુટ બે ઇંચ લાંબા છે

ઉત્તર પ્રદેશના ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ ૮ ફુટ બે ઇંચ લાંબા છે. એશિયાના સૌથી લાંબા માણસ તરીકે ૨૦૦૭માં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ અને લિમકા બુક ઑફ રેકૉર્ડ‍્સમાં તેમને સ્થાન મળ્યું છે. અનેક કાર્યક્રમમાં તેમને આમંત્રણ અપાય છે, લોકો તેમની સાથે ફોટો પડાવે છે. તેમની લંબાઈ જ તેમની ઓળખ છે, પણ આ લંબાઈને કારણે તેમને અંગત જીવનમાં ઘણું વેઠવું પડ્યું છે. સોમવારે રીવામાં યોજાયેલા એક કાર્યક્રમનું આમંત્રણ મળતાં ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ ત્યાં ગયા હતા અને મીડિયા સાથે વાત કરી હતી. તેમનું કહેવું હતું કે લંબાઈને કારણે આખા એશિયામાં નામ મળ્યું, પ્રતિષ્ઠા મળી, પણ નોકરી ન મળી. બહુ જગ્યાએ નોકરી માટે ગયો, પણ બધાએ એકસરખું વિચાર્યું કે આટલો લાંબો માણસ શું કામ કરશે? એટલે ક્યારેય કોઈ સ્થાયી નોકરી મળી જ નહીં. એવી જ રીતે લગ્ન માટે યોગ્ય કન્યા પણ ન મળી. એમાં પણ હાઇટ વચ્ચે આવી. કોઈ છોકરી લગ્ન માટે તૈયાર ન થઈ. તેમણે કહ્યું કે હવે તો મેં લગ્નની આશા પણ છોડી દીધી છે. ૨૦૧૯માં હિપ રિપ્લેસમેન્ટ માટે સર્જરી કરાવવી પડી ત્યારે સરકાર પાસેથી મદદ માગી હતી. તેમને દિલ્હીમાં ઑપરેશન કરાવવું હતું, પણ પછી અમદાવાદની કેડી હૉસ્પિટલમાં કરાવ્યું હતું. જોકે એમ છતાં તેમણે ક્યારેય લંબાઈને દોષ નથી આપ્યો. ધર્મેન્દ્ર સિંહ કહે છે કે ‘લંબાઈને કારણે જ લોકો મને ઓળખે છે. મારી હાઇટ મારી ઓળખ છે. હું મારી આ ઓળખથી ખુશ છું.’

uttar pradesh guinness book of world records limca book of records india national news news offbeat news