મુંબઈમાં હવામાં તરતી ઇમારતો?

22 September, 2023 08:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રતીક અરોરા નામના કલાકારે આ તસવીરો બનાવીને ઇન્ટરનેટ પર તોફાન મચાવવાનું માધ્યમ પૂરું પાડ્યું છે

હવામાં તરતી ઇમારતો

હવે આ કહેવું ઘટે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સે કલાકારોની કલ્પનાને જાણે નવી પાંખ પૂરી પાડી છે. આજની આધુનિક ટેક્નૉલૉજીએ લોકોને રિયલિસ્ટિક આર્ટવર્ક બનાવીને ઇન્ટરનેટ પર તોફાન મચાવવાનું માધ્યમ પૂરું પાડ્યું છે. આ જ ટ્રેન્ડમાં આગળ વધતાં એક ડિજિટલ ​ક્રીએટરે વિચાર્યું કે જો મુંબઈની ઇમારતો હવામાં તરતી દેખાય તો? એથી અનોખા આકારની, આધુનિક ઇમારતો મુંબઈના સિટીસ્કેપ પર ઊંચે હવામાં તરતી દર્શાવતી અદ્ભુત છબિ બની હતી.

આ અતિવાસ્તવિક છબિઓ શહેરના હાઉસિંગ મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડે છે અને મુંબઈના રિયલ એસ્ટેટ લૅન્ડસ્કેપના અવાસ્તવિક ભાવિની કલ્પના કરે છે. પ્રતીક અરોરા નામના કલાકારે આ તસવીરોને કૅપ્શન આપી હતી, ‘મુંબઈ. મિડ જર્ની ઍપનો ઉપયોગ કરીને આ તસવીર બનાવવામાં આવી છે.’

ઇન્ટરનેટ પર લોકો આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેમણે આને કુલ ઓસમ જેવો ટૅગ આપીને આ નવા વિચારને વધાવી લીધો હતો. એક યુઝરે લખ્યું કે એક સામાન્ય માણસ રસ્તા પર ચાલતો હોય અને તેના માથે જાણે વાદળની જેમ ઇમારતો દેખાતી હોય. જોકે કલાકારનો આ વિચાર સાચો પડે તો એ ફ્લૅટ કેટલા મોંઘા હશે એ પણ એક પ્રશ્ન જ છે.

mumbai mumbai news technology news viral videos offbeat news national news