30 November, 2024 02:29 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
આર્કિટેક્ટ કીસુકે ઓકા, સિમેન્ટ-કૉન્ક્રીટની અરિમાસ્ટોન નામની એ ઇમારત હાથથી બની રહી છે
જપાનના ટોક્યોમાં ૪ માળની ઇમારત આવતા-જતા લોકોનું ધ્યાન ખેંચી રહી છે, કારણ કે સિમેન્ટ-કૉન્ક્રીટની અરિમાસ્ટોન નામની એ ઇમારત હાથથી બની રહી છે અને એ છેક ૨૦૦૫થી બની રહી છે. જપાનના ૫૯ વર્ષના આર્કિટેક્ટ કીસુકે ઓકાએ આ સાહસ કર્યું છે. તેમના કહેવા પ્રમાણે ‘જપાનનાં નગરો અને શહેરોની ઇમારતો કમ્પ્યુટરમાં ડિઝાઇન બનાવી હોય એવી બહુ ઉદાસ અને નિર્જીવ લાગે છે. ઇમારત બનાવતી વ્યક્તિ અને ઇમારતની ડિઝાઇન બનાવતી વ્યક્તિ બન્નેમાં ઘણો ફેર છે એટલે ઇમારતને જીવંત બનાવવા માટે મેં ડિઝાઇન વિચારવાની સાથે-સાથે બાંધકામ કરવાનું પણ નક્કી કર્યું.’
આ વિચાર સાથે તેમણે ૨૦૦૫માં કામ શરૂ કર્યું. શરૂઆતમાં મિત્રોની મદદ લીધી, પણ એ પછી જાતે જ બાંધકામ શરૂ કર્યું. તેમના કહેવા પ્રમાણે આ ઇમારતમાં વપરાયેલું કૉન્ક્રીટ ૨૦૦ વર્ષથી વધુ સમય સુધી ચાલશે. ઉપરના ૩ માળ પર પોતે રહેશે અને ભોંયતળિયે તથા પહેલા માળે પોતાનો સ્ટુડિયો અને પ્રદર્શન-સ્થળ બનાવવાની તેમની ગણતરી છે. કામ શરૂ કર્યું ત્યારે ૩ વર્ષમાં પૂરું કરવાની ગણતરી હતી, પરંતુ ડિઝાઇનમાં આવતા ત્વરિત ફેરફાર સતત પડકારરૂપ રહ્યા હોવાથી બે દાયકા વીતી ગયા.