મહિલાને દુખાવો થયો ત્યારે ખબર પડી કે પેટમાં ૨૪ અઠવાડિયાંનું ‘સ્ટોન બેબી’ છે

05 September, 2024 03:21 PM IST  |  Telangana | Gujarati Mid-day Correspondent

અનાકાપલ્લે જિલ્લાની ૨૭ વર્ષની બે સંતાનની માતાને ઑગસ્ટના ત્રીજા સપ્તાહમાં પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો એટલે તે કિંગ જ્યૉર્જ હૉસ્પિટલ પહોંચી

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક મહિલાને જવલ્લે જ કરાવવું પડે એવું ઑપરેશન કરાવવું પડ્યું. અનાકાપલ્લે જિલ્લાની ૨૭ વર્ષની બે સંતાનની માતાને ઑગસ્ટના ત્રીજા સપ્તાહમાં પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો એટલે તે કિંગ જ્યૉર્જ હૉસ્પિટલ પહોંચી. ડૉક્ટરોએ સ્કૅન કરતાં ખબર પડી કે મહિલાના પેટમાં ‘સ્ટોન બેબી’ છે, એ પણ ૨૪ અઠવાડિયાં (છથી સાડાછ મહિના)નું. ડૉક્ટરોએ ૩૧ ઑગસ્ટે એ મહિલાનું ઑપરેશન કર્યું અને સફળતાપૂર્વક ‘સ્ટોન બેબી’ પેટમાંથી કાઢી નાખ્યું. ગર્ભાવસ્થામાં ભ્રૂણનું મૃત્યુ થઈ જાય ત્યારે આવી દુર્લભ ઘટના બને છે. ભ્રૂણના કૅલ્શિફાઇડ અવશેષોને ‘સ્ટોન બેબી’ કે ‘લિથોપીડિયન’ કહેવાય છે. લિથોપીડિયા જેવી સ્થિતિ ૧૪ અઠવાડિયાંથી પૂરેપૂરા મહિના સુધીના ગર્ભ માટે પણ થઈ શકે છે. ઘણી વાર દાયકાઓ સુધી નિદાન ન થવાને કારણે ‘સ્ટોન બેબી’ થઈ શકે છે. અલ્જિરિયામાં ૭૩ વર્ષની મહિલાના પેટમાંથી ૩૫ વર્ષ જૂનું આવું ‘સ્ટોન બેબી’ કાઢવામાં આવ્યું હતું.

andhra pradesh offbeat news international news world news