આંધ્ર પ્રદેશ ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જેની પાસે કૅપિટલ નથી

12 July, 2024 02:18 PM IST  |  Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

તેલંગણને નવું રાજ્ય જાહેર કર્યા બાદ આ પરિસ્થિતિ ઊભી થઈ હતી

આંધ્ર પ્રદેશ

આંધ્ર પ્રદેશ ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જેની પાસે કૅપિટલ નથી. આંધ્ર પ્રદેશ અને તેલંગણ બન્ને હૈદરાબાદને કૅપિટલ તરીકે ઉપયોગ કરી શકે એ માટે ડેડલાઇન આપવામાં આવી હતી. આ ડેડલાઇન ૨૦૨૪ની બીજી જૂન હતી. જોકે એ ડેડલાઇન પૂરી થઈ ગઈ છે. તેલંગણને નવું રાજ્ય જાહેર કર્યા બાદ આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. છેલ્લાં ૧૦ વર્ષથી તેલંગણ અને આંધ્ર પ્રદેશ બન્ને હૈદરાબાદને કૅપિટલ તરીકે ગણતા આવ્યા હતા. કૅપિટલ એવા શહેરને બનાવવામાં આવે છે જે રાજ્યની ઓળખ બને. જોકે આંધ્ર પ્રદેશ પાસે હવે એવું શહેર નથી બચ્યું. ચંદ્રાબાબુ નાયડુએ અમરાવતીને કૅપિટલ બનાવવાનું નક્કી કર્યું હતું તેમ જ ફ્યુચરિસ્ટિક શહેર બનાવવા માટે ૫૧,૦૦૦ કરોડ રૂપિયાની જરૂર પડશે એ પણ નક્કી કર્યું હતું. એ માટે ખેડૂતો પાસેથી ૩૩,૦૦૦ એકર્સની જમીન પણ ખરીદવામાં આવી હતી. જોકે ૨૦૧૯માં ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેસમ પાર્ટી ઇલેક્શન હારી ગઈ હતી. વાય. એસ. જગન મોહન રેડ્ડી પાવરમાં આવતાં તેમણે એને માટેનું બજેટ ઓછું કરી નાખ્યું હતું આથી કામ અટકી ગયું હતું. તેમણે ત્રણ કૅપિટલ શહેર બનાવવાનું નક્કી કર્યું હતું. જોકે એ માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા. જોકે આ વર્ષે ચંદ્રાબાબુ નાયડુ ફરી જીતી જતાં અમરાવતીને કૅપિટલ બનાવવાની તેમણે ફરી જાહેરાત કરી હતી તેમ જ વિશાખાપટ્ટનમને ઇકૉનૉમિક કૅપિટલ બનાવવામાં આવશે. એ માટે દિલ્હીમાંથી ૧૫૦૦ કરોડ રૂપિયાની મદદ પણ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ જ્યાં સુધી પૂરો નહીં થાય ત્યાં સુધી આંધ્ર પ્રદેશ એકમાત્ર એવું રાજ્ય હશે જેની પાસે કૅપિટલ નહીં હોય.

offbeat news andhra pradesh telangana life masala